દેશની રક્ષા કરતા 300 જવાનોની કલાઈ પર રાખી બાંધી મોં મીઠા કરાવાયા
બનાસકાંઠા નડાબેટ પાક બોર્ડરે દેશની સરહદ ઉપર દેશ ની રક્ષા કરતા સૈનિકોને રક્ષાસુત્ર બાંધવા માટે ગોંડલ તાલુકાના દેરડી (કું) ગામની ખોડલધામ મહિલા સમિતિ ની મહિલાઓ પહોંચી હતી. મહિલાઓએ જવાનોને રક્ષાબંધન નિમિત્તે 300 રાખડી કલાઇ પર બાંધી હતી. તેમના મો મીઠા કરાવ્યા હતા. મો મીઠા કરાવવા મહીલાઓ 8 કિલો પેંડા અને નાન ખાટાઈ કુકીઝ સાથે લઈને ગયા હતા. મહિલાઓએ સરહદ પર પહોંચી ને રાખડી બાંધી હોવાથી સૈનિકો ભાવવિભોર બન્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત અને પાકિસ્તાનની બોર્ડરે આવી છે. નડાબેટ ખાતે જવા માટે ખોડલધામ મહિલાઓની ટીમ તા.20 ઓગસ્ટની રાતે નીકળી 21 ઓગસ્ટના વહેલી સવારે બનાસકાંઠાના સુઈ ગામે પહોંચી હતી. મહિલાઓની ટીમે શિસ્તબધ્ધ રીતે લાઇનમાં ઉભેલા જવાનોને કંકુ તિલક કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા. બાદમાં તેમની કલાઇ પર રાખડી બાંધવાની શરૂઆત કરી હતી.
હાથમાં રાખડી બાંધતી વખતે સૈનિકોની આંખ થઇ ભીની થઈ હતી મહિલાઓએ રાખડી બાંધવાની શરૂઆત કરી તે સમયે મોટા ભાગના જવાનોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. મહિલાઓ પણ ભાવ વિભોર બની હતી. મહિલાઓ માટે આર્મી જવાનોએ ચા-પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરી હતી. આર્મી જવાનોએ બપોરે કાઠીયાવાડીઓને પ્રિય ભજીયા બનાવીને ખવડાવ્યા હતાં. મહિલાઓ સુઈગામથી બોર્ડર સુધી આવતા તમામ ટેન્ટો, ક્વાર્ટરમાં રહેતા દરેક જવાનને કંકુ, ચોખા, મો મીઠા કરાવી રાખડી બાંધી હતી.
મહિલાઓએ લેઉવા પાટીદાર સમાજના કૂળદેવી ખોડિયાર માતાજીનો ગરબો પણ ગાયો હતો.અને સૈનિકો ને પણ ગરબે રમાડ્યા હતા.મહિલાઓ એ આર્મી જવાનોને પોતાના ગામ અને ખોડલધામ મંદિર ખાતે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેમને ખોડલધામ સંસ્થાના કાર્યોની માહિતી આપી હતી.
વર્ષ 2017 થી શ્રી ખોડલધામ મહિલા સમિતિ દેરડી (કું) ની 90 જેટલી મહિલાઓ આ ગ્રુપ ચલાવે છે. ખોડલધામ મહિલા સમિતિ છેલ્લા બે વર્ષથી સરહદે દેશની રક્ષા કરતા સૈનિકોને રાખડી મોકલાવે છે. ખોડલધામ મહિલા સમિતિના સભ્ય મીનાબેન દોગા સુરતમાં રાષ્ટ્રીય કથામાં ભાગ લેવા ગયા હતાં. કથામાં સૈનિકો માટે ફાળાની જાહેરાત કરવામાં આવી હતી જેમા મહિલાઓએ ફંડ પણ આપ્યું હતું.