અઢાર દિવસ સુધી ચાલશે વિશ્વ સ્તરીય મહોત્સવ

દેશ-વિદેશના 150થી વધુ સંઘો, સેંકડો શ્રેષ્ઠીવર્યો જોડાશે

ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક નિદ્રાવિજેતા એકાવતારી આચાર્યદેવ 1008 ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ સા.ની 200મી સ્વર્ગારોહણ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન આગામી તા.13.05 થી 30.05 અઢાર દિવસ સુધી ગાદીના ગામ ગોંડલમાં, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સા. આદિ અનેક સંત-સતીજીઓના સાંનિધ્યમાં કરવામાં આવ્યું છે.

હજારો ભાવિકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનીને પરમ તત્ત્વ પ્રગટ પ્રભાવક અનુભૂતિ કરાવી રહ્યા છે એવા દાદા ગુરુદેવ આચાર્યદેવ ડુંગરસિંહજી મહારાજ સા. એટલે અપ્રતિમ સંતત્વની સૌરભ પ્રસરાવતુ એક એવું વ્યક્તિત્વ હતું જેમણે અનેક પ્રકારની અનુપમ આરાધના કરીને પોતાના સંયમ જીવનને તો દીપાવ્યુ જ હતું, પરંતુ નિરંતર સાડા પાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કરીને નિદ્રા વિજેતા બન્યાં હતાં.

તે સમયના રાજવી પરિવાર તેમજઅનેક શ્રાવક-શ્રાવિકાઓના હૃદયમાં પૂજનીય સ્થાન ધરાવતાં ડુંગરસિંહજી મહારાજ સા.એ ગોંડલ ક્ષેત્રને ધર્મના કેન્દ્ર સ્થાન સ્વરૂપે જાહેર કરીને કરેલી ગોંડલ સંપ્રદાયની સંસ્થાપના આજે હજારો ભાવિકો માટે ઉપકારક બની રહી છે. એવા પરમ ઉપકારી આચાર્યદેવ ડુંગરસિંહજી મહારાજ સા.નું નામ રાજસ્થાનના પુસ્તકાલયમાં સ્થિત સિદ્ધપાહુડીયા ગ્રંથમાં એકાવતારી આત્મા સ્વરૂપે આલેખિત કરવામાં આવ્યું છે. આ મહાન આચાર્યદેવની પ્રત્યક્ષ વિદાયને જ્યારે 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે ત્યારે ગોંડલ સંપ્રદાયના જશ-ઉત્તમ અને પ્રાણ ગુરુવર્યોના પરિવારના દરેક સંત-સતીજીઓ, સમગ્ર ભારત તેમજ વિદેશનાં મળીને 150થી વધારે સંઘો, સેંકડો શ્રેષ્ઠીવર્યો, મહિલા મંડળો, યુવક મંડળો તેમજ દેશ-પરદેશના હજારો ભાવિકો શ્રધ્ધા-ભક્તિભાવ સાથે આચાર્યદેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં તત્પરતાથી જોડાશે.

અઢાર દિવસ સુધી ચાલનારા આ વિશ્વસ્તરીય મહોત્સવમાં પૂજ્ય આચાર્યદેવનાં ગુણ સમૃદ્ધ જીવનનો અદભુત પરિચય આપતાં તેમજ ગોંડલ સંપ્રદાયની ગરિમાને ઉજાગર કરતાં અનન્ય આયોજનમાં જોડાઈ જવા સહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારીની યાદીમાં જણાવ્યા અનુસાર દાદા ગુરુદેવ આચાર્યદેવ ડુંગરસિંહજી મહારાજ સા.ના ગોંડલ સંપ્રદાયના તમામ સંઘોની દાદા ડુંગર દ્વિશતાબ્દી સ્વર્ગારોહણ મહોત્સવ સમિતિની પણ રચના કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.