ગુજરાતમાં દારુબંધીના કાયદાનો ભંગ કરી મહારાષ્ટ્રથી જુનાગઢ વિદેશી દારુનો જંગી જથ્થો જૂનાગઢ લઇ જતો હોવાની બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસે ભોજપરા પાસે વોચ ગોઠવી રૂ.55.34 લાખની કિંમતના વિદેશી દારુ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો છે. પોલીસે ટ્રક અને દારુ મળી રૂ.70.40 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જૂનાગઢના બુટલેગરે મહારાષ્ટ્રથી વિદેશી દારુનો જથ્થો મગાવ્યો તો વિદેશી દારુ અને ટ્રક મળી રૂ.70.40 લાખનો મુદામાલ કબ્જે
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જી.જે.12એડબલ્યુ. 0431 નંબરના ટ્રકમાં વિદેશી દારુ સાથે આવી રહ્યાની બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જે.એમ.ઝાલા, એએસઆઇ મહિપાલસિંહ ચુડાસમા, શક્તિસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોલંકી, અને હરેશભાઇ વાઘેલા સહિતના સ્ટાફે રાજકોટ-ગોંડલ હાઇવે પર ભોજપરા પાસે વોચ ગોઠવી હતી.
પોલીસની વોચ દરમિયાન જી.જે.12એડબલ્યુ. 0431 નંબરનો ટ્રક પસાર થતા પોલીસે ટ્રક અટકાવી તપાસ કરતા જુના કપડાની ગાસડી નીચે છુપાવેલો વિદેશી દારુનો જંગી જથ્થો જોવા મળતા ટ્રકને પોલીસ મથકે લઇ જઇ ગણતરી કરતા રૂ.55.34 લાખની કિંમતની 55,344 બોટલ વિદેશી દારુ મળી આવતા પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના સાલારીયા ગામના ટ્રક ચાલક અશોકકુમાર ધર્મારાજ કનારામ માંજુ નામના શખ્સની ધરપકડ કરી છે.
ટ્રક ચાલક અશોકકુમાર માંજુની પૂછપરછ દરમિયાન રાજસ્થાનના સાંચોર જિલ્લાના સાંગડવા ગામના અશોક પુનમારામ વિશ્ર્નોઇ અને સિરોહીના કટવાડા ગામના ધેવરચંદ ભગીરથરામ બિશ્ર્નોઇ નામના શખ્સોએ મહારાષ્ટ્રના મનોર ગામેથી વિદેશી દારુ ટ્રકમાં ભરી જુનાગઢ પહોચતો કરવાનું કહ્યાની કબુલાત આપી છે. પોલીસે જુદી જુદી બ્રાન્ડની 55,344 બોટલ વિદેશી દારુ, ટ્રક, રોકડ અને મોબાઇલ મળી રૂ.70.40 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલક અશોકકુમાર માંજુને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.