પરષોત્તમ માસ નિમિતે રાજકોટથી બસ બાંધી દામોકુંડ પવિત્ર સ્નાન કરી પરત ફરતી વેળાએ પ્રૌઢા હરિધામ સિધાર્યા
પવિત્ર પરષોત્તમ માસની ઉજવણીમાં દામોકુંડના પવિત્ર સ્નાનની મહિમા અલગ જ સ્થાન ધરાવે છે. પરંતુ ન જાણે જાનકી નાથે કાલે શું થશે?? તેમ રાજકોટના પ્રૌઢા યાત્રાએ નીકળ્યા બાદ દામોકુંડના પવિત્ર સ્નાનનો લાભ લઈ પરત ફરતી વેળાએ ચાલુ બસે પ્રૌઢાને હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું.
ગોપી મહિનો ગણાતા પવિત્ર પરષોત્તમ માસમાં મહિલાઓ ધર્મધ્યાન, ધૂન, ભજનમાં મંત્રમુગ્ધ થઈ જતાં હોય છે. તેવી જ રીતે રાજકોટમાં રહેતા અંજુબેન ચંદુભાઈ નકુમ નામના ૫૯ વર્ષીય પ્રૌઢા પરષોત્તમ માસની ઉજવણી નિમિતે પાડોશીઓ સાથે બસ બાંધી જૂનાગઢ દામોકુંડ પહોંચ્યા હતા.
દર્શન કરીને બસ પરત રાજકોટ આવી રહી હતી ત્યારે ગોંડલ અને વીરપુર વચ્ચે અંજુબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો. જેથી તાત્કાલિક બસ ઉભી રાખી તેમને સારવાર માટે ૧૦૮માં ગોંડલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરતા જાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ અને પરિવારજનોમાં ગમગીની છવાઈ છે.
પવિત્ર પરષોત્તમ માસમાં ભાવભક્તિથી જાત્રાએ નીકળેલી બસ દામોકુંડ સહિતના પવિત્રધામો થઈને પરત રાજકોટ આવી રહી હતી. તે દરમિયાન ગોંડલ પાસે જ ચાલુ બસમાં જ પ્રૌઢા અંજૂબેન હરિધામ સિધારતા શોકની લાગણી છવાઈ છે.