અમરેલી પંથકના કિશોર નામના શખ્સ ભગાડ્યા બાદ રાજકોટ નજીક ગામમાં રાખી હતી
અબતક, જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ
પાંચેક મહિના પહેલા ભગાડી ગયો’તો: યુવતીની સગાઇ પણ તૂટી ગઇ
ગોંડલ પંથકના ગામમાં રહેતી પુખ્ત વયની યુવતિને પાંચેક મહિના પહેલા અમરેલી પંથકનો યુવાન ભગાડી ગયો હતો. ત્યારથી તેણે મૈત્રી કરાર કરી યુવતિને રાજકોટના કાલાવડ રોડ પરના એક ગામમાં પોતાની સાથે રાખી હતી. ગયા મંગળવારે યુવતિએ પોતાના ભાઇને ફોન કરી પોતાના પર ભગાડી જનાર યુવાને ત્રાસ ગુજાર્યાનું અને પોતે ગોંડલ ગુંદાળા ચોકડીએ આવી હોવાનું કહેતાં ભાઇ તેણીને તેડી લાવ્યો હતો. દરમિયાન તેણીને લોહી પડવા માંડતાં દવાખાને લઇ જવાતાં ગર્ભપાતની ગોળીઓ અપાયાનું જણાતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાતાં ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી છે.
યુવતિના ભાઇએ જણાવ્યું હતું કે મારી બહેનની અમરેલી પંથકના યુવાન સાથે સગાઇ થઇ ગઇ હતી. પરંતુ અમારી બીજી બહેનના સાસરીયાના સગા એવા અમરેલી પંથકના કિશોર નામના શખ્સ સાથે મારી નાની બહેનનો કોઇપણ વખતે સંપર્ક થયો હોઇ બંને વચ્ચે ઓળખાણ થઇ હતી. એ પછી થોડા મહિના પહેલા કિશોર મારી આ નાની બહેનને ભગાડી જતાં તેની સગાઇ તૂટી ગઇ હતી. કિશોર બાદમાં તેના પરિવાર સાથે અને મારી બહેન સાથે રાજકોટના કાલાવડ રોડ પરના ગામમાં રહેતો હતો અને મજૂરી કરતો હતો. તેણે મારી બહેન સાથે મૈત્રી કરાર કરી લીધા હોવાની અમને ખબર પડી હતી.આ દરમિયાન ગયા મંગળવારે તા. 14મીએ મને મારી બહેને ફોન કરીને કહ્યું હતું કે મારા પર કિશોરે ત્રાસ ગુજારી મારકુટ કરી છે અને એ બધા મને મુકીને ગામડે જતાં રહેતાં હું ગુંદાળા ચોકડીએ આવીને ઉભી છું. આ વાત સાંભળી હું ગુંદાળા ચોકડીએ ગયો હતો અને મારી બહેનને ઘરે તેડી લાવ્યો હતો. એ દિવસે તે જમ્યા વગર સુતી જ રહી હતી. બીજા દિવસે તેને લોહી પડવા માંડતાં અમે તેણીને દવાખાને લઇ જતાં તબિબી તપાસમાં તેણીને ગર્ભ રહી ગયાનું અને ગર્ભપાત માટેની ગોળી અપાયાનું જણાવતા અમે બહેનને પુછતા તેણીએ બે માસનો ગર્ભ હોવાનું અને પોતાને પેટમાં દુ:ખતુ હોઇ પેટના દુ:ખાવાની ગોળી છે તેમ કહી દવા અપાતા પોતે પી ગયાનું કહ્યું હતું.યુવતિ હાલ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રેમીએ ભગાડીને અમુક મહિના સારી રીતે રાખ્યા બાદ છેલ્લે ત્રાસ ગુજારી ગર્ભ રહી જતાં ખોટુ બોલી ગર્ભપાતની ગોળીઓ આપી દેતાં યુવતિ હોસ્પિટલના બિછાને પહોંચતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી છે.