મેમણ સમાજની વાડીમાં પુત્રના રિસેપ્શન વેળાએ મોકો જોઇ ઘરેણા અને ચાંદલામાં કવર તફડાવ્યા
સમાજના અગ્રણીઓની હાજરીમાં ચોરી કર્યાની કબૂલાત આપ્યા બાદ મુદ્ામાલ પરત ન કરતા ફરિયાદ નોંધાવી
ગોંડલ શહેરના ગુંદાળા શેરી બરકાતી મંજીલમાં રહેતા મેમણ વેપારીના ચાર દિવસ પૂર્વે પુત્રના રિસેપ્શન વેળાએ મકાનના તાળા તોડી તિજોરીમાંથી રોકડ અને સોનાના ઘરેણા મળી રૂા.2.56 લાખની મત્તાની ચોરી કરનાર પાડોશી ચાર શખ્સો સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ ગોંડલ શહેરના ગુંદાળા શેરીમાં રહેતા અને દેવપરામાં મુન્ના ગારમેન્ટ નામે કાપડનો ધંધો કરતા તોફીકભાઇ મજીદભાઇ તૈલીએ પાડોશમાં રહેતા દાઉદ યાકુબ દયાળા, મહંમદ હુશેન ખાલીદ દયાળા, સીબતેન શબ્બી મીઠાણી અને કપુમ અનીશ ડબ્બાવાલા સહિત ચારેય શખ્સોએ રૂા.2.56 લાખની મત્તાની ચોરી કર્યાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તોફીકભાઇ તૈલીના પુત્ર ફિરદોશના લગ્ન હોવાથી પરિવાર સાથે મેમણ સમાજની વાડીએ ગત તા.20 નવેમ્બરના રોજ રિસેપ્શનમાં હતા ત્યારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તાળા તોડી પુત્રવધુ અને પત્નીના ઘરેણા અને લગ્નના વહેવારના રોકડા ચોરી થઇ હતી.
લગ્નના બીજા દિવસે મેમણ જમાતના આગેવાનોને બોલાવી ચોરી થયાની વાત કરેલી અને મકાનની બાજુમાં રહેતા દાઉદ યાકુબ દયાળા, મહમદ હુશેન ખાલીદ દયાળા, સીબતેન શબ્બીર મીઠાણી અને કપુમ અનીશ ડબ્બાવાલાની બનાવ સમય દરમિયાન ઘરની નજીક હોવાથી સમાજના અગ્રણીઓની હાજરીમાં ઉપરોક્ત ચારેય શખ્સોને બોલાવ્યા હતા. સમાજના અગ્રણીઓની હાજરીઓની ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને બે દિવસમાં રોકડ અને ઘરેણા પરત કરવા જણાવ્યું હતું. બાદ આજ દિવસ સુધી ચોરી કરેલા મુદ્ામાલ પરત ન આપતા ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસ ચારેય શખ્સો સામે ગુનો નોંધી પી.એસ.આઇ. જે.એમ.ઝાલા સહિત સ્ટાફે ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથધરી છે.