પૂ.ધીરજમુનિ, પૂ.સુશાંતમુનિ અને પૂ.નમ્રમુનિ મ.સા.ના પાવન સાનિધ્યે
મુખ્ય દાતા બૃહદ સ્થા. જૈન સંઘના પ્રમુખ પરાગ શાહ; પાવન પ્રસંગને માણવા ભાવિકોને જાહેર આમંત્રણ
ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયનો નુતનીકરણ ઉદ્ઘાટન સમારોહ તા.૩-૨ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે ડુંગર દરબાર રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ, કોર્ટ બિલ્ડીંગ સામે, ગોંડલ ખાતે યોજાનાર છે. ઉપાશ્રય નુતનીકરણના મુખ્ય દાતા બૃહદ મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ પરાગભાઈ કિશોરચંદ્ર શાહે લાભ લીધો છે.
રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી ઉદાર દિલ દાતા શાહ પરિવારના આર્થિક સહયોગ તથા ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘે ખુબજ ટૂંકા ગાળામાં જહેમત ઉઠાવી નુતનીકરણનું ભગીરથ કાર્ય પૂર્ણ કરેલ છે. નુતનીકરણ થયેલ ગાદી ઉપાશ્રયના મંગલ ઉદ્ઘાટન ચર્તુવિધ સંઘની પાવન નિશ્રામાં થશે. આ અવસરે સાધર્મિક ભક્તિનો લાભ અનિલભાઈ મોહનભાઈ ઉનડકટ પરિવારે લીધેલ છે તથા ગૌતમ પ્રસાદ બેનાણી વાડી, વચલી શેરી નાની બજાર, ગોંડલ ખાતે યોજાશે.
મંગલ ઉદ્ઘાટન સમારોહમાં પૂ.ધીરજમુનિ મહારાજ મ.સા., ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. તેમજ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. એવમ શાસન ચંદ્રીકા પૂ.હિરાબાઈ મ.સ., પૂ.ભદ્રાબાઈ મ.સ., પૂ.સુમતીબાઈ મ.સ., પૂ.વિરમતીબાઈ મ.સ., પૂ.ઉર્મીલાબાઈ મ.સ., આદિ ડુંગર દરબારના સતિવૃંદની પાવન ઉપસ્થિતિમાં યોજાશે.
એકાવતારી પરમ આચાર્ય દેવ ૧૦૦૮ પૂ.ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ વિ.સ.૧૮૪૫માં ગોંડલને ધર્મ આરાધનાના વડા મથક રૂપે ગાદીની સ્થાપના કરી ગોંડલને વિશ્વના ફલક પર ગૌરવસભર ઉચ્ચ સ્થાન આપ્યું. પૂ.ગુરુદેવના તપ સાધના સહ એકાવતારી પદ પ્રાપ્તિના અપ્રમત યોગની સાધના રૂપ નિંદ્રાવિજેતા બનવાની સાધનાથી પાવન થયેલા. ગોંડલમાં ગાદી ઉપાશ્રય અત્યંત પવિત્ર, પૂજયવરની પ્રેરણા ભૂમિ બની છે તે ગોંડલ ગાદી ઉપાશ્રયમાં બિરાજીત થયેલી પૂ.ગુરુદેવની સાધનાથી ગાદી આજે વિશ્વમાં લાખો ભક્તો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર અને શ્રધ્ધાનું પ્રતિક બન્યું છે. આજથી વર્ષો પહેલા ઉપાશ્રય નિર્માણમાં તેઓનું અનુપમ યોગદાન રહેલું. આ ઉપાશ્રયમાં અત્યાર સુધી અનેક સાધુ-સંતોના ચાતુર્માસ, શેષક્ળ સહ અનુપમ ધર્મ આરાધનાઓ થઈ છે. નૂતનીકરણ થયેલ ગાધી ઉપાશ્રયના મંગલ ઉદ્ઘાટનમાં રવિવારે સૌને શાસન પ્રભાવનાના આ પ્રસંગે નજરે નિહાળવા, હૃદયથી માણવા, જીવન ધન્ય બનાવવા, ગાદી ગામમાં પધારવા અનુરોધ કરાયો છે.