ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થવા પામી છે.આ સાથે મરચાની ગગડતી બજાર અને ટ્રકોની હડતાલ વચ્ચે માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ થવા પામી છે.
ગોંડલ પંથકમાં મરચાનું આ વખતે વ્યાપક પ્રમાણમાં વાવેતર થવા પામ્યુ હોય માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી મરચાની આવક શરૂ થવા પામી છે. ભારે આવક ના પગલે માર્કેટ યાર્ડ ના સતાધીશો દ્વારા વ્યવસ્થાના ભાગ રૂપે રજીસ્ટેશન પ્રથા શરૂ કરવામાં આવી હતી પરંતું ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરવાની માંગને લઈને રજિસ્ટ્રેશન પ્રથા નાબૂદી સાથે શનિવારના રોજ મરચાની આવકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.માર્કેટ યાર્ડમાં મરચાની આવકનાં પગલે માર્કેટ યાર્ડ બહાર બંને બાજુ મરચા ભરેલા વાહનો ની 6થી7 કિ.મી.લાંબી લાઈનો જોવા મળી હતી.
70 હજાર ભારીથી વધુની આવક થતાં એક જ સપ્તાહમાં મણે રૂા.800નું ગાબડુ: ભાવમાં તિવ્ર ઘટાડો અને ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈ હરરાજી મુલતવી રખાઈ
માર્કેટ યાર્ડમાં એક દિવસમાં સિઝન ની સૌથી વધુ મરચાની એક લાખ ભારીની આવક થવા પામી હતી.મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડ મરચાની ઉભરાઈ જવા પામ્યું હતું આ સાથે મરચાનું ગ્રાઉન્ડ ટુંકું પડ્યું હતુ.બીજી બાજુ ટ્રક ડ્રાઈવરોની હડતાલ વચ્ચે મરચાની હરાજી બંધ રાખવામાં આવી હતી હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 1000/-થી લઈને 4300/- સુધીના બોલાયા હતા.
ગોંડલ પંથકમાં મરચાના વાવેતરનો વ્યાપ વધ્યાના સાથે મરચાનું ઉત્પાદન બમ્પર જોવા મળ્યું છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક વચ્ચે મરચાના બજાર ભાવ ઉપર નજર કરીએ તો મરચાના ભાવમાં એક જ સપ્તાહમાં રૂપિયા 800/-નું ગાબડુ પડ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ગતહ વર્ષની સરખામણીમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ડિસેમ્બરના અંતમાં મરચાની 70,000/-ભારીની આવક જોવા મળી હતી.અને મરચાનો ભાવ રૂપિયા 5000/- સુધીનો બોલાતો હતો આ વર્ષે તેમના કરતા યાર્ડમાં મરચાની વધુ આવક જોવા મળી રહી અને ખેડૂતોને મરચાના ઓછા ભાવ મળી રહ્યા છે.વેપારી અને માર્કેટ યાર્ડ સતાધીશોના જણાવ્યા મુજબ મરચાની બજાર ગબડી જવા પાછળનું કારણ અન્ય રાજ્યોમાં મરચાની માંગ ઓછી હોવાને કારણે મરચાની બજારમાં મંદીનો માહોલ હોવાનું મનાઈ રહ્યું છે આ સાથે જ મરચા પકવતા ખેડૂતોને મરચાના ભાવમાં નુકશાની ભોગવવાની નોબત આવી છે.