ખેડૂત વિભાગની 10 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ વચ્ચે જંગ
અબતક, જિતેન્દ્ર આચાર્ય, ગોંડલ
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચુંટણી યોજાઇ રહી છે. અગાઉ વેપારી અને તેલિબીયાં વિભાગના 6 ડિરેક્ટરો બિનહરીફ બન્યા હોય જેથી આજે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 600 જેટલા મતદારો મતદાન કરશે.
આજે સવારે 9:00 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં છે. સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે.
ગોંડલ યાર્ડમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે ભાજપના 10 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે તો 8 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. હાલ મતદાન મથક બહાર મતદારોની લાંબી કતાર લાગી છે. બિનહરીફ થયેલી છ બેઠકો અગાઉ ભાજપે હસ્તગત કરી છે ત્યારે 10 બેઠકોની ચુંટણીમાં પણ ભાજપ સર્વોપરી બની બહુમત મેળવે તેવી શક્યતા જણાઇ રહી છે.