ભગવતસિંહનું શાસન 1884થી ગણીએ તો પણ 60 વર્ષ લાંબું ચાલ્યું હતું અલબત્ત, ઐતિહાસિક નોંધો પ્રમાણે તેમનું રાજ 74 વર્ષ 87 દિવસનું જ ગણાય છે: વિશ્વમાં સૌથી લાંબો સમય સિંહાસન સંભાળનારા ટોપ રાજાધિરાજોના લિસ્ટમાં તેમનો સમાવેશ થાય છે
અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
જ્યારે જ્યારે પ્રજાવત્સલ રાજવીઓની વાત આવે ત્યારે ગોંડલ નરેશ ને અચૂક યાદ કરવામાં આવે છે. એમાં પણ ગોંડલ નરેશ ભગવતસિંહજીના નામે તો પોણી સદી ગાદી પર બેસવાનો વિક્રમ છે. 1677માં કુંભાજી પહેલાએ રાજધાની બનાવી ગોંડલનો વિકાસ શરૃ કર્યો હતો. પણ એ પછી સાતેક રાજાઓ બદલી ગયા અને છેક 1869માં સંગ્રામસિંહ (બીજા)નું નિધન થયું ત્યારે તેમના દીકરા સત્તા પર આવ્યા એ દીકરાનું નામ ભગવતસિંહ અને તેમનું શાસન છેક 1944 સુધી એટલે કે 75 વર્ષ ચાલ્યું. હજુ તો હાથમાં રાજદંડ લેવા જેવડી પણ ભગવતસિંહની ઉંમર નહોતી એ વખતે ચાર વર્ષની વયે તેઓ રાજા બન્યાં. માટે નિમય પ્રમાણે 15 વર્ષ સુધી બ્રિટિશ સરકારની સમિતિએ ગોંડલ રાજ્યનો વહીવટ કર્યો હતો. સમજણા થયા પછી 1884માં રાજધુરા ભગવતસિંહના હાથમાં સોંપવામાં આવી. પણ સત્તા પર આવતા પહેલાં ભગવતસિંહ યુરોપના અનેક દેશો ફરી ચૂક્યા હતા. માટે તેમનું શાસન શરૃ થયુ એ સાથે જ તેમણે યુરોપિયન સમાજના ગુણો ગ્રહણ કરી ગોંડલ રાજમાં તેનો અમલ શરૃ કર્યો.
પુસ્તકાલયો બંધાવ્યા, શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરી, વહીવટ સુધાર્યો, ક્ધયા-કેળવણી, લોકસુવિધાઓ વગેરે પ્રકારનાં કામોને કારણે ભગવતસિંહ અને ગોંડલ રાજ્ય એ વખતે જગ-વિખ્યાત બન્યું હતુ અને આજે પણ જાણીતુ છે. ગોંડલ સમૃદ્ધ-સક્ષમ-શિક્ષિત રાજ્ય બન્યું તેની પાછળનું એક કારણ રાજાને મળેલો છ-સાત દાયકા જેટલો લાંબો સમય પણ ગણવો રહ્યો. કેમ કે પોણી સદી જેટલો સમય હતો, એટલે ભગવતસિંહજીને જે કંઈ સારા વિચારો આવ્યા કે પ્રજાલક્ષી કામો કરવાનું મન થયું એ અમલમાં મૂકવા તેમની પાસે બહુ સમય હતો. તેમના શાસનમાં જ બ્રિટિશરોએ ગોંડલ રાજ્યને રાજ્ય તરીકે બઢતી આપીને બીજા વર્ગમાંથી પ્રથમ વર્ગનું જાહેર કર્યુ હતું અને તોપોની સલામી નવથી વધારીને અગિયાર કરાઈ હતી.બીજા બધા સુધારાઓ ભૂલી જઈએ અને કદાચ ‘ભગવદ્ગોમંડલ’ જેવી ગ્રંથમાળા ભગવસિંહે ગુજરાતી પ્રજાને આપી છે, એટલું યાદ રાખીએ તોય સદીઓ સુધી ભગવતસિંહનું ઋણ ઉતારી શકાય એમ નથી.
શાસનમાં તેઓ આપખુદ રહ્યાં હોવા જોઈએ કેમ કે તેમણે છેેવટ સુધી સત્તા છોડી ન હતી. પણ પ્રજા પ્રત્યે તેઓ એટલા જ નમ્ર હતા, એટલે પ્રજામાં સ્વીકાર્ય પણ હતા. એક વખત પ્રજાએ તેમનું સન્માન કર્યું તો પ્રતિભાવમાં ભગવતસિંહે કહ્યુ હતું: ’તમે મારા માટે ઉમદા શબ્દો વાપરી મારી પ્રશંસા કરી તે માટે હું તમારો આભારી છું. પણ હું તે માટે લાયક નથી. મેં કરેલાં કાર્યો અંગે તમે મારી પ્રશંસા કરી પરંતુ મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.’ભગવતસિંહનું શાસન 1884થી ગણીએ તો પણ 60 વર્ષ લાંબું ચાલ્યું હતું. અલબત્ત, ઐતિહાસિક નોંધો પ્રમાણે તેમનું રાજ 74 વર્ષ 87 દિવસનું જ ગણાય છે. એટલે જ વિશ્વમાં સૌથી લાંબો સમય સિંહાસન સંભાળનારા ટોપ રાજાધિરાજોના લિસ્ટમાં તેમનો સમાવેશ થાય છે.