સાત માસ પહેલા બે શખ્સો યુવાનને વાડીએ ઉઠાવી જઇ માર માર્યો: સાંસદને વાત કરતા યુવાને ફરિયાદ નોંધાવી
ઓનલાઈન આઇ.ડી.માં અડધા લાખની રકમ હરી ગયા બાદ મિત્રને ઉપાડી ગયા
ગોંડલમાં રહેતા યુવાનને સટ્ટાની ઉઘરાણીના મામલે બે શખ્સો વાડીએ અપહરણ કરી લઈ જઈ બેફામ માર માર્યો હોવાની ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર યુવાનનો મિત્ર ઓનલાઇન આઇ.ડી.માં અડધો લાખ હતી ગયા બાદ ભાગી જતા યુવાનને ઉઠાવી જઇ કોરા ચેક લખાવી બેફામ માર માર્યો હતો. યુવકે સાંસદ રમેશભાઈ ધડુકને વાત કર્યા બાદ હિંમતથી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં ભોજરાજપરા શેરી નંબર 13/28માં રહેતા અને શેર બજારનું કામ કાજ કરતા રાજનભાઈ કેતનભાઈ મોલવિયા નામના 30 વર્ષના યુવાને ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ રાજનભાઈના મિત્ર રોબિન ધીરુભાઈ માદરિયાએ ફરિયાદીના ઓળખીતા મયુરસિંહ ઝાલાનો નંબર તેમની પાસેથી મેળવ્યો હતો. ત્યાર બાદ રોબિને મયુરસિંહ ઝાલા પાસેથી ઓનલાઇન આઇડી મારફતે સટ્ટો રમી રૂ.50,000 હતી જતા ફોન બંધ કરી દેતા મયુરસિંહ ઝાલાએ રાજનભાઈને ફોન કરી પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી.
ત્યાર બાદ રાજનભાઈએ મયુરસિંહ ઝાલાને પૈસા આપવાની ના પાડતા ગત તા.1લી સપ્ટેમ્બર 2022ના રોજ રાજનભાઇ વછેરાના વાડાથી બસ સ્ટેન્ડ તરફ જતા હતા ત્યારે મયુરસિંહ ઝાલા અને એક અજાણ્યો શખ્સ કારમાં આવ્યા અને ફરિયાદીને અપહરણ કરી મયુર સિંહની વાડીએ લઈ ગયા હતા. જ્યાં યુવાનને બેફામ માર મારી કોરા ચેક લખાવી આ અંગે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી વછેરાના વાડા પાસે છોડી ગયા હતા.જેથી યુવાને બીકના મારે પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ યુવકે સાંસદ રમેશભાઈ ધડુક સાથે વાત ચીત કર્યા બાદ હિંમત આવતા મયુર સિંહ ઝાલા અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.