ગોંડલ વિધાનસભાની વર્ષ 2012ની ચૂંટણીમાં નાગડકા ગામે ચૂંટણી બુથમાં પોલીંગ એજન્ટના મામલે બોલેલી બઘડાટીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના લોકો સામે કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે પૂર્વ ધારાસભ્ય સહિતના લોકોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
સને 2012ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપ તરફ માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને સામાપક્ષે જીપીપીના ઉમેદવાર ગોરધનભાઈ ઝડફીયાનાઓ ચુંટણીનું મતદાન પૂર્ણ થયે નાગડકા ગામે પટેલો અને રજપૂતો વચ્ચે મારામારીનો બનાવ બનેલ હતો જે સબબ માજી ધારાસભ્ય જયરાજસિંહને જાણ થતા તેઓ નાગડકા ગામે ગયેલ હતા જયાં રાજેશ લાલજી સખીયા, અશોક લાલજી સખીયા, ભવાન લીંબા સાવલીયા, મેહુલ ભવાન સાવલીયા, વિજય લક્ષ્મણ સાવલીયા અને સંજય લક્ષ્મણ સાવલીયા વગેરે 15 થી 20 શખ્સો હથિયારો ધારણ કરી ઘેલાભાઈ ટપુભાઈ ડાભી (રાજપુત)ના ઘરે જઈ પોલીંગ એજન્ટ રાખવા સંબંધે માર મારી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલ હતી.
જે સંબંધનો ગુનો ઘેલાભાઈ ડાભી દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો અને એજ પ્રકારે સામાપક્ષે આરટીઆઈ એકટીવીસ્ટ રાજેશ લાલજી સખીયાના પત્ની તૃષાબેન સખીયા દ્વારા પણ ઘેલાભાઈ રાજપુત તથા માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત 50 માણસોના ટોળા સામે મારામારીની વળતી ફરિયાદ કરેલી હતી. જે બંને ગુનાના કામે આરોપીઓની ધરપકડ થયેલી અને ગુનાનું ચાર્જશીટ નીચેની અદાલત ગોંડલ ખાતે દાખલ કરવામાં આવેલ હતું.
બાદમાં સદર કેસમાં બંને પક્ષે રાજકીય વ્યકિતઓ હોય જયુડી.મેજી.ફ.ક. પ્રિયા દુવા સમક્ષ કેઈસ ચાલી જતા માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના એડવોકેટ નરેન્દ્રસિંહ જે.ઝાલા દ્વારા પોતાની ધારદાર દલીલો અને લેખીતમાં જરૂરી પુરાવાઓ રજુ કરી અદાલતને માજી ધારાસભ્ય જયરાજસિંહની બનાવ સ્થળની હાજરી શંકાશીલ હોય તથા તેમના દ્વારા કોઈને પણ કોઈ જ પ્રકારની ઈજા પહોંચાડવામાં આવેલી ન હોય માત્ર રાજકીય રાગઘ્વેશથી હાલનો ગુનો તેઓની સામે દાખલ કરવામાં આવેલો હોય તેવું સ્પષ્ટપણે ફલિત થતું હોય જે ધ્યાને લઈ નીચેની અદાલત દ્વારા માજી ધારાસભ્ય સહિત તમામ સાત આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલો છે.