મેટોડામાં સાસરે ગયેલા રાજકોટના યુવાનને બે શખ્સોએ કર્યો હુમલો

ગોંડલમાં પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી સગર્ભાએ ઘર ખર્ચ માટે પૈસા માંગતા પતિએ ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે સગર્ભાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય બનાવમાં રાજકોટ ભક્તિનગર વિસ્તારમાં રહેતા યુવાનને મેટોડા ખાતે તેના સાસરિયાના ઘર પાસે બે શખ્સોએ માર માર્યાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં વોરાકોટડા રોડ પર પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી નસીમબેન એજાજભાઈ શાહમદાર નામની 28 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં તેના પતિ એજાજ શાહમદારે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. નસીમબેન શામદારને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં નસીમબેનના એજાજ શાહમદાર સાથે બીજા લગ્ન છે અને તેણીને હાલ ત્રણ માસનો ગર્ભ છે. નસીમબેન શાહમદારે ઘર ખર્ચ માટે પૈસા માંગતા પતિ એજાજ શાહમદારે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહેતા દીપકભાઈ ભાવિનભાઈ મોઢા નામનો 22 વર્ષનો યુવાન મેટોડામાં આવેલી આસ્થા વિલેજ સોસાયટીમાં પોતાના સસરા કિશોરભાઈ જોષીના ઘેર હતો ત્યારે જનક અને ભીમજી નામના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. જેમાં દિપક મોઢાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.