ગુરૂ કૃપા હી કેવલમ્
શતમ જીવમ શરદ્:
સદગુરૂદેવ રણછોડદાસજી બાપુની પ્રતિમાનું પૂજન કરી ભક્તોને આશિર્વચન પાઠવ્યા: ભજન અને ભોજનના સમન્વય સાથે શ્રધ્ધાળુઓમાં અનોખો આનંદ
સૌરાષ્ટ્રની ભૂમિ સંત, શુરા અને દાનવીરો માટે જાણીતી છે. સંતોના કારણે જ સૌરાષ્ટ્રની આગવી ઓળખ ઉભી થઇ છે. આવા જ સંત રણછોડદાસજી બાપુના કૃપાપાત્ર શિષ્ય પૂજય હરીચરણદાસ બાપુનો આજે ગોંડલ ખાતે જન્મ દિવસની શ્રધ્ધાળુઓએ ભારે આસ્થા સાથે ઉજવણી કરી છે.
ગોંડલ ખાતે આવેલા સદગુરૂ રણછોડદાસજી આશ્રમ રામજી મંદિર ખાતે પૂજય હરીચરણદાસ બાપુના જન્મ દિવસ હોવાથી વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. હરીચરણદાસ બાપુએ સવારે રણછોડદાસ બાપુની પ્રતિમાનું પૂજન કર્યા બાદ એકઠાં થયેલા શ્રધ્ધાળુઓને આર્શિવચન પાઠવ્યા હતા.
ચૈત્રી નવરાત્રી હોવાથી રામજી મંદિર ખાતે રામ ચરિત માનસ સમુહ પાઠનું આયોજન કરવામાં આવ્યું હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં ભકતો રસપાન કરી રહ્યા છે. બાપુના પ્રાગટય દિવસ નિમિતે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમ અને અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવતા રામજી મંદિર ખાતે ધાર્મિક માહોલ છવાયો છે. અને ભક્તોમાં અનેરા આનંદ અને ઉત્સાહમાં વધારો કર્યો છે.
હરીચરણદાસજી મહારાજ ૧૯૫૬માં ગોંડલ ખાતે પધારી રામજી મંદિર સદગુરૂદેવ રણછોડદાસજી આશ્રમ ખાતે અન્નક્ષેત્ર શરૂ કરી સેવાની ધૂણી ધખાવી હતી.
સદગુરૂદેવ હરીચરણદાસ બાપુએ ૨૦૦૪માં રણછોડદાસજી બાપુના પગલે ગોંડલ ખાતે માનવ મંદિર સમાન શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલનું નિર્માણ કરી ગરીબોને રાહતદરે મેડિકલ સગવડ અને સુવિધા પુરી પાડી છે. આ હોસ્પિટલ ખરા અર્થમાં ગરીબો માટે આર્શિવાદ સમાન બની છે.
હરીચરણદાસ બાપુના પ્રાગટય દિવસ હોવાથી હરીચરણદાસ બાપુના શિષ્યો દેશ અને વિદેશથી ગોંડલ ખાતે એકઠાં થયા હતા અને પૂજય હરીચરણદાસ બાપુના દિર્ધાષ્યુની પ્રાર્થના કરી હતી.
સંત શ્રીહરીચરણદાસ બાપુએ ભૂમીની મમત રાખ્યા વિના જ જાહેર હીતાર્થે રસ્તા માટે જમીન કાઢી આપી જેના કારણે રસ્તો પહોળો બની શકયો હતો. જેના કારણે ગોંડલના પ્રવેશ દ્વાર ખાતે જ ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય છે. સો વર્ષના દિર્ઘાષ્યુ માટે માત્ર ત્રણ વર્ષનું જ છેટું છે ત્યારે લાખો અનુયાયી પ્રાર્થના કરી રહ્યા છે.