સ્ટેટ મોનિટરીંગ સેલે વધુ એક વખત રુલર પોલીસને અંધારામાં રાખી દારૂનો દરોડો પાડયો

રાજસ્થાનના શખ્સોએ રિધ્ધી સિધ્ધી વેર હાઉસ ભાડે રાખી મમરાની ગુણી નીચે છુપાવી વિદેશી દારૂ ઘુસડયો: કુરિયર કંપનીના વાહનમાં દારૂની સપ્લાય થતી: 14,336 બોટલ વિદેશી દારૂ ટેમ્પો  અને ટેલર સહિત રુા.88.10 લાખનો મુદામાલ કબ્જે

ગોંડલ પંથકમાં બુટલેગરોને દારુનું કટીંગ કરવામાં મોકળુ મેદાન મળી ગયું હોય તેમ એક માસમાં બીલીયાળા બાદ ગુંદાળા ખાતે વિદેશી દારુનો જંગી જથ્થો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ઝડપી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ગુંદાળાથી પાટીદળ તરફ જવાના માર્ગે રિધ્ધી સિધ્ધી વેર હાઉસમાંથી રુા.46,10 લાખની કિંમતના વિદેશી દારુ કબ્જે કર્યો છે.  વિદેશી દારુનો જથ્થો રાજસ્થાની શખ્સોએ મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારુ-જુગાર, બાયો ડિઝલ અને ખનિજ માફિયા બેફામ બન્યા હોવાથી સ્ટેટ મોનિટરીંગ દ્વારા દરોડાના દોર શરુ કરવામાં આવ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા રાજકોટ રેન્જ આઇજીના રિડર પીઆઇ, રુરલ એસઓજી પીઆઇ અને બે કોન્સ્ટેબલને જિલ્લા બહાર બદલી કરવામાં આવી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા બુટલેગર સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની અને ગોંડલના ગુંદાળા ખાતે આવેલા રિધ્ધી  સિધ્ધી વેર હાઉસના ગોડાઉન નંબર 3માં વિદેશી દારુનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાય.એસ.પી. કે.ટી.કામરીયા, પીએસઆઇ આઇ.એસ.રબારી સહિતના સ્ટાફે વિદેશી દારુ અંગે દરોડો પાડયો હતો.

રિધ્ધી સિધ્ધી વેર હાઉસમાં મમરા ભરેલા ટેલરમાંથી રુા.46.10 લાખની કિંમતની 14,336 બોટલ વિદેશી દારુ મળી આવ્યો હતો. દારુના કટીંગ માટે ડીટીડીસી કુરિયરના બંધ બોડીના ટેમ્પોનો ઉપયોગ થતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજસ્થાનના ઝાલોરના દિનેશકુમાર કેશારામ કાછેલા, સંદિપ મારવાડી અને અમિત બિશ્ર્નોઇ નામના શખ્સોએ ગોડાઉન ભાડે રાખી વિદેશી દારુ ઘુસાડયો હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.