થર્ટી ફર્સ્ટીની ઉજવણી માટે મંગાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો રાજકોટ એલ.સી.બી.એ ઝડપી પાડ્યો છે. જેમાં રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલા રીબડા નજીક ગુંદાસરા ગામે એકતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ગોડાઉનમાં રાજકોટના નામચીન અને ગોંડલ ગ્રામ્ય પંથકના શખ્સે છૂપાવેલો રૂા.10.76 લાખનો 3588 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લઇ દારૂ, વાહન અને મોબાઇલ મળી રૂા.15.81 લાખનો મુદ્ામાલ કબ્જે કરી બંને શખ્સને ઝડપી લેવા દોડધામ આદરી છે.
એલ.સી.બી.એ એકતા ઇન્ડસ્ટ્રીયલમાં દરોડો પાડી 3588 બોટલ દારૂ, વાહન અને મોબાઇલ મળી રૂા.15.81 લાખનો મુદ્ામાલ કબ્જે
ગ્રામ્ય પંથકના ઔદ્યોગિક વિસ્તારના ગોડાઉન દારૂ ઉતારવાના એ.પી.સેન્ટર બન્યા !!
31 ડિસેમ્બરની ઉજવણીમાં યુવાનો છાટકા વેડા ન કરે તે માટે બુટલેગરોને ભરી પીવા રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું ત્યારે રાજકોટના નામચીન બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમ મેણુ અને મુળ ગોંડલના નાગરકા ગામનો ધવલ રસીક સાવલીયા સહિત બંને શખ્સોએ ગુંદાસરા ગામે આવેલા એકતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભરત શામજી લાડાણીના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની પી.એસ.આઇ. એચ.સી.ગોહિલને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. ડી.જી.બડવા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પ્રહલાદસિંહ, અનિલભાઇ, દિગ્વિજયસિંહ અને હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ગોડાઉનમાંથી રૂા.10.76 લાખની કિંમતનો 6588 બોટલ વિદેશી દારૂ સાથે ઉદયપુરના પ્રેમકુમાર લીંબારામ રાવતની ધરપકડ કરી દારૂ, વાહન અને મોબાઇલ મળી રૂા.15.81 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂના જથ્થો રાજકોટના જંગલેશ્ર્વરના ફિરોજ ઉર્ફે ફિરીયો મેણુ અને ગોંડલના નાગડકાના ધવલ રસીક સાવલીયાનો હોવાનું ખૂલતા તેની શોધખોળ હાથધરી છે.
રાજકોટ શહેરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં મેળ ન પડતો હોવાથી ગ્રામ્ય પંથકની ઇન્ડસ્ટ્રીઝમાં ભાડે ગોડાઉનમાં અવાર-નવાર વિદેશી દારૂના જથ્થો પકડાયો છે. ફિરોજ મેણુ કુવાડવા રોડ, પડધરી અને જસદણ પંથકમાં વિદેશી દારૂના ગુનામાં પોલીસ ચોંપડે ચડી ચુક્યો છે.