શંકા-કુશંકા કરી ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરાની ધરપકડ

ગોંડલ ખાતે એક પરિણીતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, મારા પતિને ડ્રગ્સ, દારૂ, ગાંજાનું વ્યસન હોય નશો કરી માર મારતો અને પતિ માર મારતો હોય તે સસરાને કહેતા સસરાએ પુત્રવધુને કહ્યું, માર ખાઈ લેવાનો. તેમજ સાસુ કહેતા કે મેં પણ સહન કર્યું, તું પણ કર. આ અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી કૃપાલીબેન (ઉ.વ.26)એ જણાવ્યું કે, મારા પિતાનું નામ અશોકભાઇ વૈષ્નવ છે. હું હાલ ભગવતપરા પટેલ સોસાયટી શેરી નં.6 ગોંડલ ખાતે મારા માવતરે રહું છું. મારા લગ્ન તા.2/5/2023 ના રોજ ખડવંથલીના રહેવાસી શશિકાંતભાઇ નાગજીભાઇ ગીણોયાના દીકરા દર્શક સાથે અમારી નાતના રીતરીવાજ મુજબ લગ્ન થયેલ છે. લગ્ન બાદ હું પતિ, સાથે સસરા, તથા સાસુ શારદાબેન સાથે સયુંક્ત પરીવારમાં રહેવા ગયેલ. અઢારેક દિવસ ખડવંથલી મારા સસરાના ઘરે રોકાયેલ ત્યાં મારા પતિએ મને બે-ત્રણ દિવસ સારી રીતે રાખેલ બાદ મારા પતિ મારી સાથે નાની નાની વાતમાં ઝઘડાઓ કરતા, સાસુને કહુ તો તે કહેતા કે હું પણ આવું બધું સહન કરતી તો તું પણ સહન કર. મારા દિકરાનો સ્વભાવ જ એવો છે. તે અમારૂ પણ કંઈ માનતો નથી.

ઉપરાંત પતિ દર્શક મારા પર શંકા-કુશંકાઓ કરતો. મને પરાણે ફીનાઇલ પીવડાવી હતી. વાળ પકડી મારૂ માથું ભડકાડેલ. જાનથી મારી નાખવી છે તેમ ધમકી આપતો. વધુમાં કૃપાલીએ કહ્યું કે, અમો બન્ને બેગ્લોર જ્યા મારા પતિ નોકરી કરતા ત્યાં રહેવા જતા રહેલ. મારા પતિ મને કહેતા કે, તારા માવતરના ઘરેથી ફ્રિજ. ટી.વી તથા પૈસા લેતી આવ. રસોઈ વધે તો માર મારતા. પતિ કહેતા કે મારે લગ્ન નહોતા કરવા પણ મારા મમ્મી પપ્પાએ તારી સાથે પરાણે લગ્ન કરાવેલ છે. તારે છુટાછેડા જોઇતા હોય તો બોલ. તેમ કહી છુટાછેડા કરવા દબાણ કરતા. મારા પતિને ડ્રગ્સ, દારૂ, ગાંજાનું વ્યસન હોય જેનો નશો કરીને આવી મારી સાથે ઝઘડો કરી મને માર મારતા. રાત્રીના સમયે મને એકલી મુકી નશાની હાલતમાં બહાર જતા રહેતા.

હું મારા સસરાને કહું તો તે કહેતા કે, તું મંદીરમાં બેસી જા અને માળા કરવા માંડ આવું બધું તો ચાલ્યા કરે. અમારા ઘરની વાત છે બહાર જવી જોઇએ નહી. જેથી મેં મારા સસરાને કહેલ કે દર્શક મને મારે છે. તો મારા સસરાએ મને કહેલ કે, માર ખાઈ લેવાનો. અંતે માવતરે આવેલી કૃપાલીએ ગોંડલ સ્થિત રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેના પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરવા તજવીજ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.