ખેડૂતને ધમકી આપતા રાજકોટના તબીબ સહિત ચાર વ્યાજખોરો સામે નોંધાતો ગુનો
ગોંડલમાં રહેતા ખેડૂતે રાજકોટના ડોક્ટર સહિત ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધાવ્યો છે.જેમાં તેને જણાવ્યું હતું કે વ્યાજખોરોએ તેમને વ્યાજે પૈસા આપ્યા બાદ તેની જમીનના દસ્તાવેજ નામે કરાવી લીધા હતા.ખેડૂતે વ્યાજની રકમ ચૂકવી દીધા છતાં તેઓએ રૂ ૯૦ લાખની ઉઘરાણી કરતા હતા અને દસ્તાવેજો નામે ન કરી દેતા અને મારી નાખવાની ધમકી આપતા તેને પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે નામચીન શખ્સ સહિત ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતા ખેડૂત હસમુખભાઇ જીવરાજભાઇ કોટડિયાએ નાનામવા મેઇન રોડ, સમભાવ કોમ્પ્લેક્સમાં પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામની ઓફિસ ધરાવતા અલ્પેશ ગોપાલ દોંગા, ડો.અભય ડાયા મોલિયા, રમેશ નરશી હાપલિયા, પીયૂષ બાબુ માટિયા નામના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું હતી કે,2015ના વર્ષમાં પચ્ચીસથી ત્રીસ લાખનું દેણું થઇ જતા અખબારમાં જાહેરાત વાંચી અલ્પેશ દોંગાનો સંપર્ક કર્યો હતો.તેની સાથેની વાતચીત બાદ 3 ટકાના વ્યાજે રૂ.29.35 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજે પૈસા લીધા તેની સામે અલ્પેશે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો.
દરમિયાન 2018 સુધીમાં અલ્પેશને રૂ.54 લાખ ચૂકવ્યા હતા. બાદમાં રકમ ચૂકવી દીધા બાદ ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ પરત માગતા તેને પરત કરવાને બદલે વધુ રૂ.90 લાખની માગણી કરી હતી. આમ રકમ ચૂકવી દેવા છતાં વધુ નાણાંની માગણી કરી વ્યાજખોરોએ ધમકી આપ્યાની તેમજ અલ્પેશ દોંગાએ કરેલા સાટાખત રદ કરી નહિ આપ્યાનું ફરિયાદમાં જણાવ્યા પોલીસે ચાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.