- પટેલ સમાજના તરુણને માર મારવા મુદ્દે
- ઇજાગ્રસ્ત તરુણને મળવા ધારાસભ્ય જયેશ રાદડિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા પહોચ્યા
- પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું
ગોંડલમાં બે દિવસ પહેલા એક તરુણને જાહેરમાં અમાનુષી માર મારવા સાથે તેના માતા-પિતાને પણ ધોલધપાટ કરનાર ક્રિકેટ કોચ સહિત 3 શખ્સોના અત્યાચારના વિરોધમાં પાટીદાર સમાજે એકત્ર થઈને પોલીસના પાપે જ ગુંડાગીરી વકરી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. આ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને 2 દિવસમાં ત્રણેય હુ*મલાખોરોનું જાહેરમાં સરઘસ કાઢીને સરભરા કરવામાં નહીં આવે તો આવતીકાલે ગોંડલ શહેર અડધો દિવસ રોષપૂર્ણ બંધ રાખવાની ચીમકી આપવામાં આવી હતી.
આ દરમિયાન મહત્ત્વનું છે કે, ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં 3 શખ્સો દ્વારા એક સગીરને ધોકા વડે ફટકારવાની ઘટનામાં માર મારનાર પૈકી એક આરોપીએ પોતાના પુત્ર પર સગીર અને તેનો મિત્ર વારંવાર જાતીય સતામણી કરતા હોવાની પોલીસમાં મળતી ફરિયાદ કરતા બન્ને સગીર સામે પોકસો સહિત ગુન્હો દાખલ કર્યો છે.
ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં સગીરને ધોકા વડે માર મારવાની ઘટનામાં પોલીસે 3 આરોપીઓ પૈકી મયુરસિંહ તથા દર્શનસિંહને ઝડપી લઈ રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. પરંતુ રિમાન્ડ નામંજુર થતા બન્નેને જેલ હવાલે કરાયા હતા. જ્યારે અન્ય આરોપી ક્રિકેટ કોચ હજુ ફરાર હોવાથી શોધખોળ ચાલુ છે.
પટેલ સમાજના આગેવાનોએ જણાવ્યું કે, “લુખ્ખા તત્વોની જાહેરમાં સરભરા કરવી જોઈએ, વરઘોડો કાઢવો જોઈએ. ગુજરાત સરકાર પણ લુખ્ખા તત્ત્વોનો જાહેર વરઘોડાની વાત કરી રહી છે. તરૂણને માર મારવાની ઘટનામાં કલમ-307નો ઉમેરો કરવો જોઈએ. આરોપીઓએ સરકારી જમીન પર દબાણ કર્યુ છે, તે માટે લેન્ડગ્રેબીંગનો ગુન્હો દાખલ કરવો જોઈએ. જો શનિવાર સુધીમાં આ કાર્યવાહી નહિં થાય તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે.