આગેવાનો અને અધિકારીઓના ત્વરિત નિર્ણયથી 25 ગામના દર્દીઓ સારવાર મેળવી શકશે
વકરતી જતી કરોનાની મહામારી ના કારણે નાના કે મોટા શહેરોની હોસ્પિટલોમાં દર્દીઓને જગ્યા મળી રહી ન હોય ત્યારે ગોંડલ તાલુકાની કોલીથડ જિલ્લા પંચાયત સીટના રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ ગોંડલ તાલુકાના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા કોલીથડ ગામ ખાતે સરકારી હોસ્પીટલ ખાતે કોરોના મહામારીના અનુસંધાને રૂબરૂ મુલાકાત લઇને આજુબાજુના ગ્રામ વિસ્તારમાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કોલીથડ સરકારી હોસ્પીટલમાં 35 બેડ હોસ્પીટલ વ્યવસ્થા કરીને તાત્કાલીક કોવિડ હોસ્પીટલ ચાલુ કરાવેલી છે.
કોલીથડ જિલ્લા પંચાયત નીચે આવતા રપ ગામના સરપંચઓ તથા આગેવાનો દ્વારા પરીસ્થિતિને ધ્યાનમાં લઇને તા.11/04/2021 થી દસ દિવસ માટેનું સ્વયંભુ લોકડાઉન કરીને તકેદારી રાખેલ હોય તેમજ જીવન જરૂરીયાત વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગ્રામપંચાયત ના સરપંચ તેમજ સભ્યો દ્વારા ઉભી કરવામાં આવેલી છે. ત્યારે કોલીથડ ખાતે 35 બેડની હોસ્પીટલ ઉભી કરવામાં આવતા આ વિસ્તારના આગેવાનો તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર તેમજ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તેમજ રાજકોટ જિલ્લા ભાજપ પરીવાર દ્વારા આ કામગીરીને બીરદાવામાં આવેલ હતી