જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુ માટે દુકાનો સવારના ૬થી ૯ અને સાંજે ૬થી ૯ ખુલ્લી રહેશે
કોરોનાનો રાજ્યભરમાં આંતક દિનપ્રતિદિન વધી જઈ રહ્યો છે. વાયરસે હવે શહેરોની સાથે ગામડાઓને પણ ઝપેટમાં લીધા છે. રાજકોટ જિલ્લાનું વધુ એક ગામ કોરોનાની ઝપેટમાં આવ્યું છે. ગોંડલ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલ અને છ હજારની વસ્તી ધરાવતા ગોમટા ગામમાં અધધ… 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને આગેવાનો સાથે તાકીદની મીટિંગ બોલાવાઈ હતી. જેમાં સમગ્ર ગોમટા ગામમાં લોકડાઉન લાદી દેવાનો નિર્ણય લેવાયો છે.
ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલ તાકિદની મિટિંગમાં સરપંચ જસાભાઈ ઝાપડા, તાલુકા ભાજપ પ્રમુખ યોગેશભાઈ કયાડા, સહકારી મંડળી પ્રમુખ બિપીનભાઈ વાછાણી, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ચર્ચા કરાઇ હતી કે ગામમાં છેલ્લા 48 કલાકમાં ૨૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા પરિસ્થિતિ વણસતી જઈ રહી છે. લજેના પગલે તાકીદે લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. જો કે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુની દુકાન સવારના ૬થી ૯ અને સાંજના 6 થી 9 ખુલ્લી રહેશે. આ દરમિયાન ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહીતના નિયમોનું પાલન અનિવાર્યપણે કરવાનું રહેશે તેમજ જો કોઈ દુકાનદારના પરિવારમાંથી કોરોના કેસ પોઝિટિવ આવે તો દુકાનદારે સદંતર દુકાન બંધ રાખવાની રહેશે. બહારગામ આવવા જવા માટે ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડશે. ઉપરાંત બહારગામથી આવતા ફેરિયાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.