(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ
ગોંડલના રાજકારણમા એપી સેન્ટર ગણાતા ગોંડલ નાગરિક સહકારી બેંકમાં બે ડીરેકટરોની ચૂંટણીઓ યોજવા પામી હતી જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઇ પીપળીયા તેમજ ભાવનાબેન નરોડાની બિન હરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાવા પામ્યા છે.આ સાથે ગોંડલ નાં રાજકારણ માં મોટું માથું ગણાતા જયંતિભાઇ ઢોલ ની પ્રથમ માર્કેટ યાડઁ અને હવે નાગરિક બેંક માં થી “એકઝીટ” થતાં રાજકીય ગણગણાટ શરું થવાં પામ્યો છે.અલબત હાલ જયંતિભાઇ ની બિમારી નું કારણ આગળ ધરાઇ રહ્યુ છે.પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ઘણા વર્ષોથી સ્વર્ગસ્થ ગોવિંદભાઈ દેસાઈ બાદ તેમનાં પુત્ર યતિષભાઇ દેસાઇ દ્વારા એક ચક્રી શાસન રૂપ ગોંડલ નાગરિક સહકારી બેંક નું શાસન ચલાવવામાં આવી રહ્યું હતું આશરે દોઢ-બે વર્ષ પહેલા સ્થાનિક ભાજપ આગેવાનો દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેસાઈના ગઢને ધ્વસ્ત કરી ભાજપે શાસનની કમાન સંભાળી જયંતિભાઈ ઢોલ ને ચેરમેન પદે બિરાજમાન કર્યા હતા બાદમાં છેલ્લા છ આઠ માસથી જેન્તીભાઈ હૃદયરોગના હુમલા સહિતની બીમારીથી પીડાઇ રહ્યા હોય 15 દિવસ પહેલા જયંતિભાઈ ઢોલ અને તેમના પત્ની શારદાબેન ઢોલે દ્વારા રાજીનામું ધરી આપવામાં આવ્યું હતું આજરોજ ચૂંટણી યોજાતાં પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઇ પીપળીયા અને ભાવનાબેન નરોડીયા બિન હરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાવા પામ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગોંડલ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પૂર્વ પ્રમુખ અશોકભાઇ પીપળીયા એ નગરપાલિકાની ચૂંટણી ન લડવા નું જણાવી સમર્થકોને વિચારતા કરી મુક્યા હતા પરંતુ ત્યારે જ લોકોમાં ધારણા બંધાઈ રહી હતી કે આગામી દિવસોમાં અશોકભાઈ પીપળીયા નાગરિક બેંકમાં પ્રવેશ કરશે અને આજે એ ધારણા સાચી પાડવા પામી છે.યોગાનુયોગ અશોકભાઈ પીપળીયા જયંતિભાઇ ઢોલ નાં એક સમયનાં ચુસ્ત શિષ્ય ગણાતાં હતાં.શિષ્ય એ ગુરુગાદી સંભાળી હોવાં નો સંજોગ સર્જાયો છે.