- ફ્રૂટના ધંધાર્થી બંધુ સામે નોંધાતો ગુનો
ગોંડલમાં વેરી દરવાજા પાસે ફ્રૂટનો ધંધો કરતો જલ્પેશભાઇ ભૂપેન્દ્રભા ચાવડા પર તેની બાજુમાં ફ્રૂટનો ધંધો કરતા મુકેશ નાનજીભાઇ મકવાણા અને ભાવેશ નાનજીભાઇ મકવાણા નામના બંધુએ, સસ્તામાં ફ્રૂટ વેંચવા બાબતે જલ્પેશભાઇ પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયાનો બનાવ ગોંડલ સીટી પોલીસમાં નોંધાયો છે.
ગોંડલમાં નાની બજારમાં રહેતા અને વેરી દરવાજા પાસે ફ્રૂટની રેંકડી રાખી ધંધો કરતા જલ્પેશભાઇ ભૂપેન્દ્રભાઇ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે વેરી દરવાજા પાસે ફ્રૂટનો વેપાર કરે છે. તેની બાજુમાં ભગવતપરામાં રહેતા મુકેશ નાનજીભાઇ મકવાણા અને તેનો ભાઇ ભાવેશ નાનજીભાઇ મકવાણા રેંકડી રાખી ફ્રૂટ વેંચવાનો ધંધો કરે છે. ગઇકાલે હું મારી રેંકડીએ હતો ત્યારે અચાનક બંને ભાઇઓ મારી પાસે આવીને કહેવા લાગ્યા કે તું શા માટે ત્રણ દિવસ પહેલા સસ્તામાં ફ્રૂટ વેંચતો હતો કહી મુકેશે મને પકડી રાખી, ભાવેશે મારી પર છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. જેથી મને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડેલ હતો. ગોંડલ સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.એમ. બોરીચાએ ફરિયાદ નોંધી બંને શખ્સોને ઝડપી લીધા છે.