ભાડે રાખેલી ઇક્કો કારમાં થયેલા રૂ.૪૦ હજારનું ખર્ચ વસુલ કરવા રાજકોટના બે શખ્સોએ કર્યુ અપહરણ

ગોંડલની સંઘાણી શેરીમાં રહેતા કાર ચાલકનું રાજકોટના બે શખ્સોએ કારમાં થયેલા રૂ.૪૦ હજારનું ખર્ચ વસુલ કરવા અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નારણકા ચોકડી પાસેથી બંને અપહરણકારની ધરપકડ કરી અપહૃત કાર ચાલકને મુક્ત કરાવ્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંઘાણી શેરીમાં રહેતા સાગર કમલેશભાઇ ગોહેલનું રાજકોટના નવાગામ પાસે રહેતા લાલો ઉર્ફે લલિત જીલાભાઇ બાલાસરા અને સંજય પરમાર નામના ભરવાડ શખ્સે જી.જે. ૧૩સીસી. ૭૫૩૪ નંબરની કારમાં અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.રાજકોટના લાલો ઉર્ફે લલિત બાલાસર અને સંજય પરમારની ઇક્કો કાર ગોંડલના સાગર ગોહેલ ભાડેથી ચલાવતો હતો અને બે દિવસ પહેલાં સાગર ગોહેલે ઇક્કો કાર પરત સોપી દીધી હતી.

કારમાં રૂ.૪૦ હજારનું ખર્ચ હોવાથી બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને ગોંડલ જઇ સાગર ગોહેલનું કારમાં અપહરણ કરી ગ્રીનલેન્ડ ચોકડી લાવી માર માર્યા બાદ સાગર ગોહેલની પત્નીને ફોન કરી સોનાના ઘરેણા વેચીને રૂ.૪૦ હજાર ચુકવવા ધમકી દીધી હતી.સાગર ગોહેલને ફરી કારમાં લઇ જઇ નારણકા તરફ જઇ ર્હ્યા હતા તે દરમિયાન પી.એસ.આઇ. જે.બી.મીઠાપરા સહિતના સ્ટાફે બંને શખ્સોની ધરપકડ કરી અપહૃત સાગર ગોહેલને મુક્ત કરાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.