ત્રણ વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું: પરિવારમાં કલ્પાંત
રાજ્યમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની વ્યાંજકવાદને નાથવા માટે પહેલ શરૂ કરી છે. જેમાં તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં લોક દરબારનું આયોજન કરી વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. છતાં પણ વ્યાજના વિષચક્રમાં અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં ગોંડલના બિલિયાળા ગામે રહેતા પ્રૌઢે ત્રણ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના બીલીયાળા ગામે રહેતા શીવાભાઈ કાનજીભાઈ ટાંક નામના 52 વર્ષના પ્રૌઢ ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલી સુમરા સોસાયટીમાં હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડે ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે પ્રૌઢના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક શિવાભાઈ ટાંક ત્રણ ભાઈ બે બહેનમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મૃતક શિવાભાઈ ટાંક કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા શીવાભાઈ ટાંકે એક વર્ષ પહેલા ધંધા માટે પાચ ટકાના દરે મહેબૂબ પાસેથી 1.50 લાખ, ભૂપતસિંહ સોલંકી પાસેથી રૂ.50,000 અને રાજુ પાસેથી રૂ.20,000 વ્યાજે લીધા હતા. જે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં ત્રણેય વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી ત્રાસ આપતા હતા અને વ્યાજખોર રાજુએ શીવાભાઈ ટાંકનું બાઇક પણ પડાવી લીધું હતું. જેથી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી શિવાભાઈ ટાંકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. ગોંડલ પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
રાજ્ય સરકાર દ્વારા વ્યાજંકવાદને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા બે માસમાં પોલીસે વ્યાજખોરો સામે પગલાં લઈ લોકોને વ્યાજના ચંગુલમાંથી મુક્ત કરાવવા કમરકસી છે છતાં પણ જાણે વ્યાજના ધંધાર્થીઓને પોલીસનો ખોફ જ વિસરાય ગયો હોય તેમ વર્તમાન સમયમાં પણ ઉચા વ્યાજે નાણાં આપી તેની પઠાણી ઉઘરણીઓ કરવામાં આવે છે. જેના કારણે અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા છે.