દારૂ પીવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી: સામસામે મારામારીમાં બે ઘાયલ

ગોંડલ તાલુકાના ભરૂડી ગામે લેબર કોલોનીમાં શ્રમિકો વચ્ચે માથાકૂટ થયા બાદ એક યુવાન બીજા માળેથી પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. દારૂ પીવા બાબતે બંને જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બે શ્રમિકો ઘવાયા હતા.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ભરૂડી ગામે ફેબ્રિકેશનનું કામ કરવા આવેલો મૂળ ઉત્તર પ્રદેશનો રાહુલ હિન્દ પ્રસાદ નામનો 20 વર્ષનો યુવાન લેબર કોલોનીમાં બીજા માળેથી પટકાતા તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલના બીછાને રહેલા રાહુલ પ્રસાદે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના તેઓ દારૂ પીવા માટે લેબર કોલોનીની અગાસી ગયા હતા. ત્યાં અગાઉથી અમુક શખ્સો દારૂ પી રહ્યા હતા. જેની સાથે બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં અગાઉથી દારૂ પી રહેલા ટોળાએ હુમલો કરતા બંને પક્ષે સામસામે મારામારી થઈ હતી.

તે દરમિયાન રાહુલ પ્રસાદ મારામારીમાં બીજા માળેથી નીચે ફટકાયો હતો જેથી તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મારામારીમાં વધુ એક સંદીપ નામના યુવાનને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.