રાજકોટ-ગોંડલ રોડ પર આવેલા ભુણાવા ગામની સીમમાં આવેલા મારુતિ એગ્રીફુડસ નામના કોલ્ડ સ્ટોરેજના પૂર્વ ભાગીદારે સૌરાષ્ટ્રભરના જુદા જુદા 38 જેટલા વેપારીના 8.17 કરોડના ચણા અને ધાણા બારોબાર વેચી કોલ્ડ સ્ટોરેજના માલિક સાથે છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મામા સાથે ભાણેજ કોલ્ડસ્ટોરેજનો ધંધો શરુ કરી ભાગીદારીમાંથી છુટા થઇ કોલ્ડ સ્ટોરેજના ચોકીદાર બનેલા ભાણેજ પોતાના મામા સાથે જ વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
ભાગીદારીમાંથી છુટા થયેલા ભાણેજને કોલ્ડ સ્ટોરેજનો ચોકીદાર બનાવતા સૌરાષ્ટ્રભરની 38 પેઢીના 31 હજાર બોરી ચણા અને 1800 બોરી ધાણા સગેવગે કરી છેતરપિંડી કર્યાનો નોંધાતો ગુનો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના નાના મવા મેઇન રોડ પર સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે શ્રી કોલોનીમાં રહેતા કિશોરભાઇ અમૃતભાઇ ડેડાણીયાએ પોતાના ભાણેજ ઉતમભાઇ પ્રવિણભાઇ ત્રાંબડીયા સામે રુા.8.17 કરોડની છેતરપિંડી કર્યાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાંગશીયાળી પાસે શ્.યામ સેલ્સ કોર્પોરેશન નામની રીફાઇનરીનો વ્યવસાય કરતા કિશોરભાઇ ડેડાણીયાએ 2017-18માં ગોંડલ નજીક ભુણાવા પાસે વાઘેશ્ર્વરી મંદિર પાસે દર્શનાબેન ભુત, દિનેશભાઇ અમૃતિયા અને અને ઉતમભાઇ ત્રાંબડીયા સાથે ભાગીદારીમાં મારુતિ એગ્રી ફુડસ નામનુ કોલ્ડ સ્ટોરેજ શુર કર્યુ હતું. થોડા સમય બાદ દર્શનાબેન ભુત, દિનેશભાઇ અમૃતિયા અને ઉતમભાઇ ક્ષાંબડીયાએ ભાગીદારી છુટી કરતા નવા ભાગીદાર તરીકે કિશોરભાઇ ડેડાણીયાના પત્ની સુધ્ધાબેન અને સોનીયાબેન ડેડાણીયા જોડાયા હતા જ્યારે પૂર્વ ભાગીદાર ઉતમભાઇ ત્રાંબડીયા કિશોરભાઇ ડેડાણીયાના ભાણેજ થતા હોવાથી તેમને માસિક રુા.15 હજારના પગારથી કોલ્ડ સ્ટોરેજના ચોકીદાર તેમજ તમામ વહીવટની જવાબદારી સોપી હતી.
ગત તા.23 નવેમ્બરના રોજ ઉનાના મંદિપભાઇ પોપટે મોબાઇલમાં કિશોરભાઇ ડેડાણીયા સાથે વાત કરી મારુતિ કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો ચણા અને ધાણાનો સ્ટોક ન હોવાની જાણ કરતા કિશોરભાઇ ડેડાણીયા પોતાના ભાગીદાર સોનીયાબેનના પતિ જયંતીભાઇને સાથે લઇને ભુણાવા મારુતિ એગ્રી ફુડસ કોલ્ડ સ્ટોરેજ ખાતે તપાસ અર્થે ગયા હતા ત્યારે કોલ્ડ સ્ટોરેજના ચોકીદાર ઉતમભાઇ ત્રાંબડીયાએ ચણા અને ધાણાના સ્ટોક અંગે સંતોષકારક જવાબ આપ્યા ન હતા અને ગલ્લા તલ્લા કર્યા હતા. અને ડીસેમ્બરથી અત્યાર સુધીમાં ઉતમભાઇ ત્રાંબડીયાએ રાજકોટ, ઉના, વિસાવદર વડોદરા, અમરેલી, ઉપલેટા, જૂનાગઢ, ગોંડલ, બાટવા અને પોરબંદરની 38 જેટલા વેપારીઓના રુા.46.80 લાખની કિંમતના 1800 બોરી ધાણા અને રુા.7.70 કરોડના 31 બોરી ચણા બારોબાર વેચી નાખ્યાનું જણાતા કિશોરભાઇ ડેડાણીયાએ પોતાના ભાણેજ ઉતમભાઇ ત્રાંબડીયા સામે રુા.8.17 કરોડની છેતરપિંડી કર્યાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.એમ.ઝાલા સહિતના સ્ટાફે રાજકોટના ઉતમ ત્રાંબડીયા સામે છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.