ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપી આશિર્વાદ આપ્યા: અગાઉ ૧૪૪ દીકરીઓને સાસરે વળાવી હતી: આજે વધુ ૭ દીકરીઓનો લગ્નોત્સવ

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની ૭ દીકરીઓનો શાહી લગ્નોત્સવ યોજાયો હતો. ૭ દીકરીઓના લગ્ન હોય શહેરના નગરપાલિકા, બાલાશ્રમ, વેરી દરવાજા, વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. તેમજ મંડપને શણગારવામાં આવ્યા છે. ૭ દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. માંડવે જાન પહોંચતા જ વરમાળા યોજાઇ હતી. બાદમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરવામાં આવી રહી છે. રાજકોટના નિલેશભાઇ લુણાગરિયા દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં ૧૦૦ વારનો પ્લોટ આપવામાં આવ્યો છે.

આ લગ્નોત્સવમાં ગોંડલના રાજ્ય મંત્રી જયેશભાઇ રાદડિયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, નાગરિક બેન્ક ચેરમેન જેન્તીભાઈ ઢોલ, સહિત રાજકીય આગેવાનો અને ગોંડલના રાજવી પણ હાજર રહ્યા છે. આ શાહી લગ્નોતસ્વમાં જમણવાર પણ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં અનેક વાનગીઓ માંડવીયા અને જાનૈયાઓને પીરસવામાં આવી હતી. ગઇકાલે મંડપ વિધિ અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપી આશિર્વાદ આપ્યા હતા.

ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમની અનાથ દીકરીઓના સમયાંતરે દાતાઓના સહયોગથી લગ્ન કરાવવામાં આવે છે. અગાઉ બાલાશ્રમની ૧૪૪ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. આજે ૭ દિકરીઓના લગ્ન હોય ૧૫૧ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે.

IMG 20200119 WA0017

ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે ૧૯૦૩માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા. બાલાશ્રમના બાળકોના પહેરવેશમાં જાંબલી રંગનો ઉપયોગ થતો. આ બાળકો સાથે પોતે દિલથી જોડાયેલા છે એવો બાળકોને અહેસાસ કરાવવા ભગવતસિંહજી પોતે મોટા ભાગે જાંબલી રંગની પાઘડી જ પહેરતા.

બાલાશ્રમના દીકરા-દીકરી માટે અભ્યાસની પૂરતી વ્યવસ્થા કરતા. આ બાળકો પગભર થાય તે માટે તેને એના રસ-રુચિ પ્રમાણેના હુન્નર પણ શીખવતા. બાલાશ્રમની દીકરી જ્યારે ઉંમરલાયક થાય ત્યારે એના માટે યોગ્ય મુરતિયો શોધીને એના લગ્ન પણ કરાવી આપતા.

7537d2f3 8

માતા-પિતા વગરની આ દીકરીઓના લગ્નમાં ગોંડલના રાજકીય, ઔદ્યોગિક, સામાજિક આગેવાનોની સાથે સાથે ગોંડલના સામાન્ય પ્રજાજનો પણ દીકરીના લગ્ન હોય એવી રીતે હરખથી જોડાય છે. દાતાઓ દાનનો ધોધ વહાવે છે અને દીકરીને અઢળક કરિયાવર સાથે સાસરે વળાવે છે. આ વખતે રાજકોટના નિલેશભાઈ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં ૧૦૦ વારનો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે.

ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપ પ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા, બાંધકામ ચેરમેન કૌશિકભાઈ પડાળીયા, પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી અને નગરપાલિકા તંત્ર દ્વારા બલાઓના લગ્નોત્સવે જહેમત ઉઠાવવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત રખાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.