પૈસા ન ચૂકવતાં ફોન કરી મળવા બોલાવ્યા: સ્કૂટર પર બેઠેલા બંને મિત્રોને કારથી ઉડાડી માર માર્યો
ગોંડલમાં ગત મધરાતે કોલેજ ચોકમાં પૈસાની લેતીદેતી મામલે બે યુવાનોને કાર ચડાવી કચડવાનો પ્રયાસ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૈસા ન ચૂકવતાં ફોન કરી મળવા બોલાવ્યા બાદ સ્કૂટર પર બેઠેલા બંને મિત્રોને કારની ઠોકર મારી ઉડાડ્યા બાદ ધોકા અને પાઇપ વડે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં ગુંદાળા શેરીમાં રહેતા દાઉદ યાકુબભાઇ દલાલ (ઉ.વ.25) અને નાની બજારમાં રહેતા તેના મિત્ર સોયેબ અશરફભાઈ તૈલી (ઉ.વ.28)ને જીત નામના શખ્સ અને તેના સાગરીતોએ કારથી કચડવાનો પ્રયાસ કરી માર મારતા બંને મિત્રોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ દાઉદ દલાલે એક વર્ષ પહેલાં જીત નામના શખ્સ પાસેથી રૂ.40,000 લીધા હતા. જેના બદલે દાઉદે રૂ.25,000 ચૂકવી દીધા હતા અને રૂ.15,000 પગાર આવ્યા બાદ આપી દેવા માટે કહ્યું હતું.
પરંતુ ગત મોડી રાત્રીના જીતે દાઉદને ફોન કરી મળવા બોલાવ્યા હતા. ત્યાર બાદ દાઉદ તેના મિત્ર સોયેબ સાથે સ્કૂટર પર કોલેજ ચોકમાં જીતને મળવા ગયા હતા.જ્યાં દાઉદ અને સોયેબ બંને સ્કૂટર પર બેઠા હતા તે દરમિયાન જીત પોતાની કાર લઈને પૂરઝડપે દોડી આવ્યો હતો અને સ્કૂટર પર કાર ચડાવી બંને મિત્રોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. સ્કુટરને ઠોકર માર્યા બાદ બંને મિત્રો ઘવાયા હતા. ત્યાર બાદ જીત અને તેના સાગરીતે દાઉદ દલાલને ધોકા અને પાઇપ વડે માર માર્યાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.