ભાગીદારને બોલાવી ધમકી આપી અને દવા પીવાનું નાટક કરી બે કારમાં ઘસી આવેલા ત્રણ અજાણ્યા સહિત 11 શખ્સો એ આચર્યું કૃત્ય
આ બનાવ પાછળ અન્ય કોઈ કારણ હોવાનું ગોંડલ શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું ?
યુવકના ઘરે જઈ ખંડણી માંગી નહીં આપો તો ઘરે દારૂ પીવા આવીશું તેવો ભય બતાવ્યો: તાલુકા પોલીસે તપાસ આદરી
ગોંડલની ભાગોળે વોરાકોટડા ગામે નવા બંધાતા કારખાનું ચાલુ કરવું હોય તો રૂ.25 લાખની ખંડણી આપવી પડશે તેમ કહી ભાગીદારને મારમારી ધમકી આપ્યાની ત્રણ અજાણ્યા સહિત 11 શખ્સો સામે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે. આ બનાવ બાદ ગોંડલ ના કોલેજ ચોક ખાતે ફાયરિંગ થયાની વાતથી ગોંડલ સીટી પોલીસ મથક માં દોડધામ મચી જવા પામી છે .તેમજ ફરિયાદ મોડી નોંધવાના પગલે જિલ્લા પોલીસ વડાએ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ મહિપાલસિંહ જાડેજાને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
આ બનાવ પાછળ ખરેખર અન્ય કોઈ કારણ હોવાનું શહેરમાં ચર્ચા રહ્યું છે. વધુ વિગત મુજબ ગોંડલ શહેરના મહાકાળીનગર શેરી નં.4માં રહેતા રવિ હંસરાજભાઈ સાટોડીયા નામના યુવાને ગોંડલ ખાતે રહેતા જયદીપભાઈ ઉર્ફે ઠુમકી વિક્રમસિંંહ જાડેજા, અશ્ર્વીનસિંહ વેશુભા જાડેજા, ઈન્દ્રજીતસિંંહ બહાદૂરસિંંહ જાડેજા, હર્ષદીપસિંહ ઉર્ફે બન્ટી સરવૈયા, હરેન્દ્રસિંહ બહાદૂરસિંહ જાડેજા, મીતભાઈ, રાજદીપસિંંહ, બ્રીજેશ સાટોડીયા અને ત્રણ અજાણ્યા શખ્સોએ કારખાનું શરૂ કરવું હોય તો રૂ.25 લાખની ખંડણી આપવી પડશે તેમ કહી મારમારી ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી રવિ સાટોડીયા નામનો યુવાન બજરંગ કોટસ્પીન નામના કારખાનામાં નોકરી કરે છે.
વોરા કોટડા ગામે અવસર કલોરાટેક નામમે જનક હંસરાજભાઈ સાટોડીયા, કિશન ભરતભાઈ સાટોડીયા અને મિલન ભરત સાટોડીયા સાથે મળી ડાઈઝ મીડીયેટ પાવડરનું ઉત્પાદન માટે કારખાનું બનાવી રહ્યા છે. કારખાનાનું બાંધકામ ચાલુ છે. ગત તા.6મેના રોજ નોકરીએ હતો ત્યારે વોટસએપ કોલ આવેલો અને હરેન્દ્રસિંંહ જાડેજા તરીકે ઓળખાણ આપી તારો ભાઈ કયાં છે. તેમ કહી તારાભાઈ સાથે કારખાને પહોચ તેમ કહેતા હું નોકરીએથી કારખાને જવા નિકળ્યો હતો.બાદ હરેન્દ્રસિંહ જાડેજાએ એશિયાટીક કોલેજે પહોચવાનું કહેતા જયાં હું ગયેલો ત્યારે ઉપરોકત શખ્સો બે કાર લઈને આવીને કારખાનું શરૂ કરવું હોય તો રૂ.25 લાખની ખંડણી આપવી પડશે. તેમ કહી મારમાર્યો હતો. બાદ બીજા દિવસે અમદાવાદ ગયેલા ત્યારે જયદીપભાઈનો ફોન આવેલો અને હરેન્દ્રસિંહ દવા પીધી છે.
ખંફડણી આપી દેવા દબાણ કર્યું હતુ.બાદ તા.8મેના રોજ રાજદીપસિંહ જાડેજા સહિત શખ્સો ઘરે જઈ પત્નીને કહેલ કે તારા પતિ કયાં છે. અને કારખાનું ચાલુ કરવું હોય તો પૈસા આપવા પડશે અને પૈસા નહી આપો તો તમારા ઘરે દારૂ પીવા આવશું તેવી ધમકી આપી હતી તા.9 મેના રોજ કારખાને આવી તોડફોડ કરી દરવાજાને નુકશાન પહોચાડી અને ખંડણી માટે ધમકી આપ્યાની ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવ પાછળ અન્ય કોઈ કારણ હોવાનું ગોંડલ શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
આ બનાવો અંગે જિલ્લા પોલીસ વાળાને રજૂઆત કર્યા બાદ પોલીસે ક્યાંક કાચું કાપ્યું હોવાનું અને આ મામલે ફરિયાદી સહિતના એ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કર્યા બાદ ગુનો દાખલ કર્યાનું જાણવા મળેલ છે તેમજ ફરજમાં બેદરકારી બદલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ મહિપાલસિંહને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે.
કોલેજ ચોક સ્થિત દુકાનમાં ફાયરીંગની ચર્ચાને પગલે પોલીસમાં દોડધામ
ખરેખર ફાયરીંગ થયું હશે તો કાર્યવાહી કરાશે: એસ.પી. જયપાલસિંહ રાઠૌર
ગોંડલની ભાગોળે આવેલા વોરા કોટડા ગામે નવ નિર્માણ પામતા કારખાનાના ભાગીદારને મોબાઇલ યોન કરી બોલાવી કારખાનું ચાલુ કરવું હોય તો ખંડણી આપવી પડશે તેવી ફરીયાદની શાહી સુકાઇ નથી ત્યારે શહેરના ધમધમતા એવા કોલેજ ચોક સ્થીત દુકાનમાં વહેલી સવારે ફાયરીંગ થયાની ચર્ચાને પગલે સીટી પોલીસ મથકનો કાફલો દોડી ગયો હતો. આ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું.
ફાયરીંગ થયું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ફાયરીંગ થયાનું પુરવાર થશે તો ગુનો નોંધી કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું. સીટી પોલીસ મથકના સ્ટાફે આસપાસના સીસી ટીવી કુટેજ ની ચકાસણી કરી તેમજ કારખાનેદારને માર મારી ખંડણી વસુલવામાં ના પ્રયાસ સાથે કોઇ કનેકશન તેની પણ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. આ બનાવથી શાંત ગણાતા ગોંડલ શહેરમાં ફરી કોણ આગ ચાંપી રહ્યા તેવા શહેરીજનોમાં પ્રશ્ર્નો થઇ રહ્યા છે.
ગોંડલ તાલુકા પીએસઆઈ ઝાલા સસ્પેન્ડ
ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ મહિપાલસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા પાંચ દિવસથી ગોંડલના વોરા કોટડામાં નવા બંધાતા કારખાનામાં ખંડણી માગવાના મામલે કારખાનેદારને માર મારી ધમકી આપવાના બનાવમાં ફરજમાં બેદરકારી અને ફરિયાદ મોડી નોંધવા બદલ જિલ્લા પોલીસ વાળા જયપાલસિંહ રાઠોડ દ્વારા તાત્કાલિક ધોરણે પીએસઆઈ ઝાલાની સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે.