ત્રણ દિવસ પહેલા પોતાના બાળકોને ન્યાઝના જમવામાં ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા’તા

બેરેક-1ના બાથરૂમમાં ચાદર વડે ગળાફાંસો ખાઇ લેતા ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી ગયા

ગોંડલના વોટકોટડા રોડ પર ત્રણ દિવસ પહેલા પોતાના જ બાળકોને ન્યાઝના જમણવારમાં ઝેર આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાં પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં આજરોજ સવારે તેને જેલના બેરેક-1માં આવેલા બાથરૂમમાં ચાદર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે અને ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ ગોંડલ સબ જેલ ખાતે દોડી ગયા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતા રાજેશ મકવાણા નામના આધેડે પોતાના બે પુત્રો હરેશ મકવાણા (ઉ.વ.13) અને રોહિત મકવાણા (ઉ.વ.03)ને દરગાહ લઈ જઈ તેના ન્યાઝનાં પ્રસાદમાં ઝેર આપી દાળભાત ખવડાવી દીધા હતા. પહેલા હત્યારા પિતાએ બંને બાળકોને ન્યાઝનું જમ્યા બાદ ઉલ્ટી થતા મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.

પરંતુ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે બંને બાળકોના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પ્રાથમિક તારણમાં બંને બાળકોના ઝેરી દવાથી મોત થયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્યાર બાદ બાળકોના પિતા રાજેશની આગવી ઢબે પૂછપરછ કરતાં પોતે જ બંને બાળકોને ઝેર આપી દીધાનું કબૂલ્યું હતું.પોલીસે હત્યારા પિતા રાજેશની ધરપકડ કરી પૂછતાછ કરી હતી. જેમાં રાજેશને પત્ની સાથે છૂટાછેડા થયા હોય અને બંને બાળકો તેના ન હોવાની શંકાએ મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત આપુ હતી.

જેથી પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો.પરંતુ આજરોજ સવારે ગોંડલ સબ જેલમાં બેરેક-1માં આવેલા બાથરૂમમાં ચાદર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચારી મચી ગઇ હતી. જે અંગે જાણ થતાં જેલ સ્ટાફ સહિત જિલ્લા નાયબ પોલીસવડા અને ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં મામલતદારની હાજરીમાં વિડિયોગ્રાફી સાથે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્રણ દિવસમાં એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોના મૃત્યુથી ગોંડલમાં ગમગીની જોવા મળી રહી છે.

મોરબી: પોક્સોના ગુનાના આરોપીએ જેલમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

સૌરાષ્ટ્રમાં ગોંડલ અને મોરબીની સબ જેલમાં એક જ દિવસમાં બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં ગોંડલ બાદ મોરબી સબજેલમાં રહેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા સોમનાથ ઉર્ફે શોભનાથ રાજપ્રતાપ રાજપૂત નામના કાચા કામના કેદીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.ગત વર્ષે સોમનાથ ઉર્ફે શોભનાથ રાજપૂતને અપહરણ અને દુષ્કર્મના ગુનામાં મોરબી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ તેને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.