પોલીસને જોઈ ભાગવા જતા ચાલક પટકાતા ઘાયલ: એસ.ઓ.જી. દરોડો પાડી ટ્રક અને ગાંજો મળી રૂ. 14.90 લાખનો મુદામાલ કબ્જે
ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ પર આવેલી ધારેશ્વર ચોકડી પાસે એસ.ઓ.જી. એ ટ્રકમાંથી રૂ. 4.85 લાખની કિંમતનો 48 કિલો ગાંજા સાથે ગોંડલના શખ્સને ઝડપી લીધો છે. પોલીસને જાહેઈ નાસવા ગયેલા શખ્સ પડી જતા ઘાયલ થયો છે. ગાંજો અને ટ્રક મળી રૂ. 14.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
વધુ વિગત મુજબ વિધાનસભાની ચૂંટણી જાહેર થતા પોલીસ તંત્ર એકશન મોડમાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં નશીલા પદાર્થના વેંચાણને કડક હાથે ડામી દેવા એસ.પી. જયપાલસિંહ રાઠોર આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.પી.આઈ.કે.બી. જાડેજા સહિતના સ્ટાફે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધર્યું હતુ.
મુળ રાજકોટના ખોડીયાર નગર શેરી નં.3માં હૈદરી મસ્જીદ પાસેનો અને હાલ ગોંડલના નવા માકેટ પાસે શ્રીનાથજી સોસાયટીમા રહેતો શરીફ ઈબ્રાહીમ ભૈયા નામનો શખસ જી.જે.3 બીવાય 2664 નંબરનાં ટ્રકમાં ગાંજાનો જથ્થો ભરીને ગોંડલ તરફ આવી રહ્યાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે ગોંડલ ધારેશ્વર ચોકડી પાસે વોંચ ગોઠવી હતી ત્યારે ટ્રક ચાલક પોલીસને જોઈ નાસવા જતા પડી જતા ઘાયલ થયો હતો. પોલીસે ટ્રકમાંથી રૂ. 4.85 લાખની કિંમતનો 48 કિલો ગાંજા મળી આવતા પોલીસે ગાંજો અને ટ્રક મળી રૂ. 14.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા શખ્સ શરીફ ભૈયાની પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી લાવ્યાની કબુલાત આપી છે. અને કોને આપવાનો હતો તે મુદે વધુ તપાસ ગોંડલ સીટી પોલીસ મથકના પીએસઆઈ જે.એમ. ઝાલા સહિતના સ્ટાફ ચલાવી રહ્યા હતા.