ગાંધીનગર સીબીઆઇની તપાસના અંતે નોંધાતો ગુનો: કૌભાંડના સુત્રધાર સબ પોસ્ટ માસ્ટરે સીબીઆઇની તપાસ દરમિયાન આપઘાત કર્યો’ તો
ગોંડલ ડિવિઝનલ પોસ્ટ ઓફિસની તાંબા હેઠળ આવતી મેંગણી પોસ્ટ ઓફિસના બચત ખાતા અને દૈનિક વ્યવહારોમાં ગડબડ કરીને રૂ.9.97 કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર સીબીઆઈમાં નોંધાઈ છે. ગોંડલ નોર્થ ડિવીઝનલ પોસ્ટ ઓફિસના અધિકારીએ યશવંત બી. જોશી, હેમાંગ ભૂપત વ્યાસ, કાંતિલાલ એન. ટાંક સહિત 13 જણા સામે ફરિયાદ કરી છે. ગાંધીનગર સીબીઆઈ દ્વારા ઠગાઈ, બનાવટી દસ્તાવેજો બનાવવા અને તેનો ખરા તરીકે ઉપયોગ કરવો. લાંચ રૂશ્વતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. કૌભાંડના મુખ્ય સુત્રધારે સાડા ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધો છે.
ગોંડલ ડીવીઝનલ પોસ્ટ ઓફિસ દ્વારા ગાંધીનગર સીબીઆઈમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, મેંગણી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર પરસોતમ એ. ભલ્લા તથા તેના સાગરિતો દ્વારાતા.16-10- 2019થી તા.21-11-2022 સુધીમાં દૈનિક વ્યવહારોમાં યુટિલીટી ટૂલ દ્વારા મેન્યુઅલી નકલી ચુકવણી અપલોડ કરીને જૂના કેવીપી વ્યાજના હેડમાં સુધારો કરતા હતા. તેમજ જરૂરી વાઉચરો એકાઉન્ટ ઓફિસ ગોંડલમાં મોકલવામાં આવતા નહોતા. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની રોકડ રકમ પોતાની પાસે રાખવામાં આવતી હતી અને ઓફિસમાં કામ કરતા પરિવારના સભ્યો તથા ગ્રામીણ ડાક સેવકોના સેવિગ્સ ખાતામાં ટ્રાન્સફર કરીને કુલ રૂ. 9,97,80,064 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે.
જેમાં પોસ્ટ ’ઓફિસના કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ તથા બહારના મળીને કુલ 13 આરોપીઓને તરીકે નામ દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હાલમાં તપાસ ચાલુ હોવાથી આ કૌભાંડની રકમ હજુ વધી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, મેંગણી સબ પોસ્ટ ઓફ્સિના તત્કાલીન સબ પોસ્ટ માસ્ટર પરશોતમભાઈ અરજણભાઈ ભલ્લાએ તપાસ ચાલતી હતી ત્યારે એટલે કે, તા.21-11-2022ના રોજ આત્મહત્યા કરી લીધી હતી.જેથી પોસ્ટ વિભાગ દ્વારા મેંગણી પોસ્ટ ઓફિસના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.
પોસ્ટ ઓફિસ સાથે ગેરરીતી આચરનાર શખ્સો
યશવંત બી. જોશી, હેમાંગ ભૂપત વ્યાસ, કાંતિલાલ એન. ટાંક, જનકદાસ બી. નિરંજની, લીલાવંતીબેન એમ. રૈયાણી, નિરવ પી. ભાલાળા, દિક્ષિતા નિરવ ભાલાળા, જયશ્રીબેન યશવંત જોશી, ખમ્માબેન યશવંત જોશી, નોમેશ યશવંત જોશી, ઉષાબેન કે. ટાંક, રિંકલબેન જનકદાસ નિરંજની અને અજાણી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.