ગોલ્ડી ઉપર ભારતમાં હત્યા, ગેરકાયદેસર હથિયારોની સપ્લાય જેવા ઘણા કેસ નોંધાયેલા : ઇન્ટરપોલે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરી હતી
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બરાડની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર તેની કેલિફોર્નિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેંગસ્ટર ગોલ્ડી બરાડ 20 નવેમ્બર કે તે પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી તેની ધરપકડ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
આ પહેલા મુસેવાલાના પિતા બલકૌર સિંહે ગોલ્ડી બરાડની ધરપકડ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે જે કોઈ પણ ગોલ્ડીનું સરનામું જણાવશે, તે તેની જમીન વેચીને તેને બે કરોડ રૂપિયા આપશે. તેના એક દિવસ બાદ જ ગોલ્ડીની ધરપકડના સમાચાર સામે આવ્યા છે. જોકે, સુરક્ષા એજન્સીઓ આ વાતની પુષ્ટિ કરવા માટે અમેરિકી સત્તાવાળાઓનો સંપર્ક કરી રહી છે.
ગોલ્ડી બરાડને મૂસેવાલા મર્ડર કેસનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર કેનેડામાં બેસીને ગોલ્ડી મુસેવાલા કેસમાં તમામ સૂચનાઓ આપતો હતો. હત્યા બાદ તરત જ ગેંગસ્ટર ગોલ્ડીએ કથિત રીતે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ઇન્ટરપોલે ગોલ્ડી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. એવું કહેવાય છે કે પંજાબમાં તેનું ખંડણી રેકેટ ચલાવ્યા પછી, તે કેનેડાથી જ રાજ્યમાં તેની હિટ સ્કવોડ અને બિઝનેસ ચલાવે છે. તેના પર ભારતમાં હત્યા, ગુનાહિત કાવતરું, ગેરકાયદેસર હથિયારોની સપ્લાય જેવા ઘણા કેસ નોંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 29 મેના રોજ માનસાના જવાહરકે ગામમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. જ્યારે હત્યાકાંડ થયો ત્યારે મુસેવાલા તેની થાર જીપમાં ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન છ હુમલાખોરોએ તેમના વાહનને ઘેરી લીધું અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ કેસમાં ચાર શૂટરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.