- સોનું થયું સોંઘું..!
- ખુશખબરી..! સોનું ખરીદવાની સુવર્ણ તક
- એક જ ઝટકે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ ધડામ થઈ
- સોનાના ભાવમાં ફરી એક વખત થયો મોટો ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, નીતિને પગલે અમેરિકા સહિતની વિશ્વભરની ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં રોકાણકારોને થયેલી વ્યાપક નુકસાની સરભર કરવા માટે રોકાણકારો સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક ટકા કરતાં વધુ માત્રામાં ઘટીને સાડાત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ સાત મહિનાના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને ચાંદીમાં તળિયેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2603થી 2613નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. 89,000ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતર્યા હતા.
સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવાર, 7 એપ્રિલે સોના અને ચાંદી બંનેમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું લગભગ 700 રૂપિયા સસ્તું થયું છે.
આજે બજાર ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. રિટેલ બજારમાં સોનું 2000થી વધુ સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 4000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
ઈક્વિટી માર્કેટમાં ઐતિહાસિક કડાકા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવ ખુબ તૂટ્યા છે. જો કે વાયદા બજારમાં સોના અને ચાંદીમાં વધારો જોવા મળ્યો હતો. જો તમારે પણ સોનું કે ચાંદી લેવાનું પ્લાનિંગ હોય તો ફટાફટ રેટ ચેક કરો.
આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 2,613 રૂપિયાના જોરદાર કડાકા સાથે 88,401 રૂપિયા પર પહોંચી ગયું છે. જે શુક્રવારે 91,014 રૂપિયા પર જોવા મળ્યું હતું. જ્યારે ચાંદી 4,535 રૂપિયાના કડાકા સાથે 88,375 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગઈ છે જે શુક્રવારે 92,910 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર (MCX) માં સવારે સોનું 124 રૂપિયાની તેજી સાથે 88,199 રૂપિયાની આસપાસ જોવા મળ્યું હતું. જે શુક્રવારે 88,075 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 1279 રૂપિયાની તેજી સાથે 88,490 રૂપિયાના ભાવે જોવા મળી હતી. તે પહેલા 1565 રૂપિયાની તેજી સાથે 88,776 રૂપિયાના ભાવ પર આવી ગઈ હતી. MCX પર ચાંદી શુક્રવારે 87,211 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ
આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યાં સોનું પ્રતિ ગ્રામ 3163 ડોલરથી ઘટીને 3100 ડોલર પ્રતિ ગ્રામ પર આવી ગયું હતું. ભારતમાં સોનાના ભાવ વૈશ્વિક બજાર દરો, આયાત જકાત, કર અને ચલણ વિનિમય દરોમાં થતી વધઘટ પર આધાર રાખે છે, જે તેના દરોને દરરોજ અસર કરે છે.
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.
આ કારણોથી ભારતીય બજારમાં હાહાકાર મચી ગયો..!
વૈશ્વિક સ્તરે વેચવાલી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પ્લાનમાં ક્યાંય પીછેહટ કરતાં જોવા ન મળતાં વૈશ્વિક શેરબજારોમાં મોટાપાયે વેચવાલી વધી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં કોવિડ મહામારી જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાઉ જોન્સ 2231 પોઈન્ટ, નાસડેક 962 પોઈન્ટ જ્યારે એશિયન શેરબજારોમાં નિક્કેઈ 2370.25 પોઈન્ટ હેંગસેંગ 2445 પોઈન્ટ તૂટ્યો છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ 5 ટકા સુધી તૂટ્યા હતા. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ટ્રમ્પે ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તેમજ ટ્રેડવૉર મામલે સ્પષ્ટતા કરી હતી કે, તેને આ નુકસાનની ચિંતા નથી. તે નમતુ નહીં મૂકે, ટેરિફ એ અમેરિકાની આર્થિક સ્થિતિ માટે દવા રૂપે કામ કરશે. તે સુચારૂ વેપાર નીતિ બનાવશે.
ટેરિફ પ્રત્યે કડક વલણની અસર
ટ્રમ્પ સરકારે 180થી વધુ દેશોમાં ટેરિફ લાદવા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેનાથી બજારમાં ચિંતા વધી છે. અમેરિકા સાથે ઝડપી વાટાઘાટો મારફત અનુકૂળ પરિણામની અપેક્ષા નકારાત્મક રહી છે. જેના પગલે ભારતીય શેરબજાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વધુ ઘટવાની આશંકા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
આર્થિક મંદીની ભીતિ
ટ્રમ્પના ટેરિફના કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરી દીધું છે. જેનાથી વિશ્વભરમાં ટ્રેડવૉર શરૂ થઈ ચૂક્યો છે. ટ્રમ્પના ટેરિફના કારણે ફુગાવો વધશે. જેથી કોર્પોરેટ્સનો નફો અને વપરાશ ઘટશે. પરિણામે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ પર અસર થશે. જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ 40 ટકાથી વધારી 60 ટકા કર્યો છે. અમેરિકાના ટ્રેડ નીતિના કારણે મોંઘવારી વધશે. પરિણામે મંદી વધશે. ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ પણ ટ્રમ્પના 26 ટકા રેસિપ્રોકલ ટેરિફના કારણે 6.3 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો છે.
એફપીઆઈ વેચવાલી
ગતમહિને કેશ સેગમેન્ટમાં ખરીદી વધ્યા બાદ ટ્રમ્પના ટેરિફના કારણે એપ્રિલમાં એફઆઈઆઈએ ફરી પાછી વેચવાલી શરૂ કરી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એફપીઆઈએ એપ્રિલમાં અત્યારસુધીમાં કુલ રૂ. 13730 કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે. જો ભારત ટ્રમ્પ સરકાર સાથે ટેરિફ મામલે કોઈ ઉકેલ નહીં લાવે તો એફપીઆઈ વધુ વેચવાલી નોંધાવી શકે છે.
આરબીઆઈ MPC બેઠક
આરબીઆઈની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક આજથી શરૂ થઈ છે. 9 એપ્રિલના રોજ આરબીઆઈ વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના જોવા મળી છે. જે જીડીપી ગ્રોથને ટેકો આપશે. વૈશ્વિક અસરો ઉપરાંત આરબીઆઈની જાહેરાત પહેલાં સ્થાનિક રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવી હાલ નવી ખરીદી અટકાવી છે. વધુમાં આ સપ્તાહથી ચોથા ત્રિમાસિકના પરિણામો પણ જાહેર થશે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)