લોકડાઉન બાદ જે પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે સાઉથ હેમટનમાં રમાઈ હતી તેમાં વેસ્ટ ઈન્ડિઝે ૪ વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો ત્યારે આજથી શરૂ થતી બીજી ટેસ્ટ મેચ કે જે માન્ચેસ્ટર ખાતે રમાશે ત્યારે વેસ્ટ ઈન્ડિઝને સીરીઝ જીતવાની સુવર્ણ તક સાંપડી છે. વેસ્ટ ઈન્ડિઝનાં બોલરોએ જે રીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેનાથી ઈંગ્લેન્ડની ટીમ બેક ફુટ ઉપર ધકેલાઈ ગઈ હતી અને પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યો હતો. ઈંગ્લેન્ડનાં બોલરોની જે બોડીલાઈન બોલીંગ જોવા મળતી હતી તેનાથી વેસ્ટ ઈન્ડિઝને પુરતો ફાયદો પહોંચ્યો છે.
આજથી શરૂ થતી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનું મનોબળ ખુબ વધુ જોવા મળ્યું છે ત્યારે બેક ફુટ ઉપર ધકેલાઈ ઈંગ્લેન્ડ ટીમમાં પણ અનેકવિધ ફેરબદલ જોવા મળી છે જેમાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડસર્ન તથા માર્ક વુડને આરામ આપવામાં આવ્યો છે. બોલીંગની વાત કરવામાં આવે તો જેમ્સ એન્ડસર્ન અને માર્ક વુડ બંને વચ્ચે પ્રથમ ઈનીંગમાં કુલ ૪ વિકેટ ઝડપી હતી જયારે બીજી ઈનીંગમાં જેમ્સ એન્ડસર્ને એક પણ વિકેટ લઈ શકયો ન હતો ત્યારે બીજી ટેસ્ટમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે સિલેકટર દ્વારા એન્ડસર્ન અને વુડનાં સ્થાન પર સ્ટુવડ બ્રોડ અને સેમ કુરનને સ્થાન આપ્યું છે. આજનો ટેસ્ટ મેચ જો વેસ્ટ ઈન્ડિઝ જીતી જાય તો તે સીરીઝ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે ત્યારે ઈંગ્લેન્ડ માટે બીજો ટેસ્ટ મેચ જીતવો અત્યંત જરૂરી છે જો ઈંગ્લેન્ડ આ ટેસ્ટ મેચ જીતે છે તો સીરીઝ એક-એકથી ઈકવલ રહેશે અને ત્રીજા ટેસ્ટ મેચમાં જીતવાની તક પણ સાંપડશે પરંતુ જો બીજો ટેસ્ટ મેચ ડ્રો થાય તો પણ વેસ્ટ ઈન્ડિઝની સ્થિતિ મજબુત જોવા મળશે. અંતમાં સંપર્ક સુત્રોનાં અને વિકેટ વિશેષજ્ઞોનાં જણાવ્યા મુજબ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, આજથી શરૂ થતી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ માટે મહત્વપૂર્ણ છે અને આ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝનું પલરડું ભારે હોવાનું સાબિત થયું છે.