રાજકોષીય ખાધ વધતા સરકારે આયાત ઉપર ચાંપતી નજર રાખ્યા બાદ સોનાનું આડેધડ ઈમ્પોર્ટ થતું હોવાનું ધ્યાને આવતા લીધો નિર્ણય
સોનું ખરીદવું હવે મોંઘુ થઈ જશે. સરકારે આજથી એટલે કે 1 જુલાઈ, 2022થી સોના પરની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે સોનાની આયાત પહેલા કરતા 5 ટકા મોંઘી થશે. બુલિયન એક્સપર્ટનું માનવું છે કે આના કારણે ફિઝિકલ માર્કેટમાં સોનાની કિંમત પણ ઓછામાં ઓછી 1000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી શકે છે. અત્યાર સુધી સોના પર આયાત ડ્યૂટી 7.5 ટકા હતી, જે હવે વધીને 12.5 ટકા થઈ જશે. ગત વર્ષે સરકારે બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. અગાઉ સોના અને ચાંદી પર 12.5 ટકાની આયાત જકાત હતી, જે બજેટ 2021માં ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી હતી.
સોના પરની આયાત ડ્યુટી કેમ વધી?
દેશમાં સોનાની માંગ મજબૂત છે. જેને કારણે તેની આયાત મોટાપ્રમાણમાં થઈ રહી છે. બીજી તરફ સરકારની રાજકોષીય ખાધ પણ વધી રહી છે. તે જ સમયે, આયાત બિલમાં સતત વધારાને કારણે, ફોરેક્સ રિઝર્વ પર પણ અસર થઈ છે અને તે કંઈક અંશે નીચે આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને સરકાર કેટલાક મોટા પગલા લઈ રહી છે, જે અંતર્ગત સોના પરની આયાત ડ્યૂટી પણ વધારી દેવામાં આવી છે. તાત્કાલિક અસરથી આયાત ડ્યુટીમાં વધારો થવાને કારણે સોનાની આયાતમાં ઘટાડો થશે. બીજી તરફ જો માંગ આવી જ રહેશે તો ભાવ વધશે.
નિર્ણયની શું અસર થશે ?
આયાત ડ્યુટીમાં વધારો થયા બાદ સોનાની માંગમાં શોર્ટ ટમમાં થોડો ઘટાડો થઈ શકે છે. વેપારીઓ મોંઘા સોનાની આયાત કરવાનું ટાળે છે, તેથી ભૌતિક બજારમાં પણ માંગ ઓછી રહી શકે છે. કોઈપણ રીતે, તે તહેવારોની સિઝન નથી કે લગ્નની સિઝન નથી. તેમનું કહેવું છે કે હવે ઓગસ્ટથી જ સોનાની માંગ વધવાની આશા છે.
કેટલું સોનું આયાત કરવામાં આવે છે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, 2021માં ભારતે 55.7 બોલિયન ડોલર એટલે કે 4.14 લાખ કરોડ રૂપિયાના સોનાની આયાત કરી હતી. 2020માં આ આંકડો માત્ર 23 બિલિયન ડોલર એટલે કે 1.71 લાખ કરોડ રૂપિયા હતો. રિપોર્ટ અનુસાર, જથ્થાના સંદર્ભમાં, 2021માં ભારતની કુલ સોનાની આયાત 1,050 ટન હતી, જ્યારે 2020માં આ આંકડો 430 ટન હતો. વર્ષ 2020 માં, કોરોનાને કારણે લાગુ કરાયેલ લોકડાઉન અને લગ્નો પર લાદવામાં આવેલા કડક નિયંત્રણોને કારણે, સોનાની આયાતમાં ઘટાડો થયો હતો.
ટૂંકા ગાળામાં સોનું કઈ રેન્જમાં રહેશે?
ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1810 ડોલરનું સપોર્ટ લેવલ તોડી તેની નીચે આવી ગયું હતું. નજીકના ગાળામાં કોન્સોલિડેશન થશે. હવે સોના માટે આગામી સપોર્ટ લેવલ 1795 ડોલર અને 1785 ડોલર છે. જ્યારે એમસીએક્સ પર તે 50100 ના સ્તરની આસપાસ છે. આ માટે આગામી સપોર્ટ લેવલ 49700ના સ્તરે છે. નજીકના ગાળામાં તે 49000 રૂપિયાથી 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે.