૧૧૧૩ પોઈન્ટનાં વધારા સાથે સોનાનો ભાવ ૩૮,૦૦૦ની સર્વોચ્ચ સપાટી પર, જયારે ચાંદી ૪૩૦૦૦ને પાર પહોંચી
ભારત દેશમાં હાલ તમામ બજારોની સ્થિતિમાં અનિશ્ર્ચિતતા જોવા મળી રહી છે ત્યારે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમીની વાત હોય કે પછી જીડીપીની વાત હોય ત્યારે જો સ્થાનિક બજારો અને વૈશ્વીક બજારમાં જે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તે જો નહીં સુધરે તો દિન-પ્રતિદિન તેની હાલત કથળતી જોવા મળશે. અનિશ્ર્ચિતતાનાં કારણે સોના-ચાંદીનાં ભાવમાં લાલચોર તેજી જોવા મળી રહી છે જયારે જવેલરી વેપારમાં અધધધ ૭૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
છેલ્લા દોઢ મહિનાથી વૈશ્વિક અને ઘરેલુ પરિબળોના કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેના લીધે રિટેલ જ્વેલરી બિઝનેસ મંદ પડ્યો છે. એક તરફ અમદાવાદમાં સોનાના ઘરેણાંનું વેચાણ ૭૦% જેટલું ઘટ્યું છે ત્યારે છેલ્લા દોઢ મહિનામાં જૂનું સોનું વેચવાનું પ્રમાણ ત્રણગણું વધ્યું છે. ઉદ્યોગના અંદાજ મુજબ, સોનાની કિંમતમાં તેજી આવી હોવાથી આ જ સમયગાળામાં જૂના સોનાના પુન:વેચાણમાં ૨૦૦ ટકા વધારો થયો છે. જૂન મહિનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઊંચા ગયા છે અને કસ્ટમ ડ્યૂટી વધતાં કિંમતમાં વધુ ઉછાળો આવ્યો. દર અઠવાડિયે સોનાના વધતાં જતા ભાવના કારણે ઘરેણાંનું વેચાણ ઘટ્યું છે. ગ્રાહકો અગાઉ નીચા ભાવે ખરીદેલું સોનું વેચી રહ્યા છે. જૂન મહિનાના મધ્ય સુધી એક દિવસમાં વેચાતા કુલ સોનાના ૧૦% જેટલું જૂનું સોનું ફરીથી વેચાતું હતું. દાખલા તરીકે, જો એક દિવસમાં મેં ૧ કિલો સોનું વેચ્યું હોય તો મને વેચવામાં આવેલું જૂનું સોનું માત્ર ૧૦૦ ગ્રામ હતું. જો કે, હવે ટ્રેન્ડ ઊલટો થઈ ગયો છે. હું જેટલું સોનું વેચું છું તેનું ત્રણગણું જૂનું સોનું ગ્રાહકો મને વેચે છે. આ કારણે રેવન્યૂમાં ભારે નુકસાન થાય છે.
બુધવારે અમદાવાદમાં સોનાનો ભાવ નવી સપાટીએ પહોંચ્યો. ૧૦ ગ્રામ ૨૪ કેરેટ ગોલ્ડનો ભાવ ૩૮,૨૦૦ રૂપિયાની વિક્રમજનક સપાટીએ પહોંચ્યો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધવાનું કારણ યુએસ અને ચીન વચ્ચે ક્રમશ: વધી રહેલું ટેન્શન છે. ચીનથી આયાત થતી વસ્તુઓ પર યુએસના પ્રેસિડેન્ટ નવા ટેરિફની જાહેરાત કરતાં બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ તરફ ભારતનો રૂપિયો યુએસ ડોલર સામે નબળો પડ્યો છે અને ઈક્વિટી માર્કેટ પણ ડાઉન છે. સોનાની માગમાં ઘટાડો થયો છે. જે જ્વેલરો મારી બુલિયન ટ્રેડિંગ ફર્મમાંથી આશરે ૪૦ કિલો સોનું ખરીદતા હતા તે હવે માંડ ૩-૪ કિલો સોનું ખરીદે છે. જ્વેલરોનું કહેવું છે કે, બિઝનેસમાં રોકડની તંગીના કારણે લોકો સોનું વેચી રહ્યા છે.