ભારતમાં અર્થતંત્રની ધરોહર ગણાતા સોના-ચાંદી અને રૂપિયાની સામૂહિક ધોવાણની પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસથી સતત આગળ વધી રહેલી રૂપિયાની તેજીમાં અચાનક બ્રેક આવી હતી અને ડોલર સામે 14 પૈસાનું ધોવાણ થઈ રૂપિયાએ 70.14 રૂપિયાની સૌથી નીચી સપાટી બનાવી હતી. વૈશ્વિક ક્રુડના ભાવ ઘટાડા ડોલરના ઘસારા છતાં રૂપિયાએ તેની આધાર સપાટી ગુમાવી દીધી હતી. રૂપિયાની આ પીછેહટ પાછળ તેલની કિંમતના ચડાવ-ઉતાર વચ્ચે અમેરિકાના ફેડરલ રિઝર્વ ફંડમાં વધારો અને અમેરિકાએ વ્યાજદર વધારતા આ પરિસ્થિતિ સર્જાઈ છે.

બીજી તરફ ભારતમાં અમેરિકા કરતા ફૂગાવાનો દર વધુ હોવાથી ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. હજુ આ પરિસ્થિતિ કદાવ વધુ આગળ વધે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. એસબીઆઈના આર્થિક સલાહકાર સોમિયા ઘોષે જણાવ્યું હતું કે, રૂપિયામાં આવેલી અચાનક મંદી અર્થતંત્ર માટે ઠીક ન ગણાય. મુંદ્રા વિનીમય બજારમાં ઉતાર-ચઢાવનું સ્તર વધઘટ થતું રહે છે. ઘરેલું ઉત્પાદન વધવાથી જીડીપી દર 7.5 રહેશે. અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયો 13 પૈસા ઘટી 70.24ની કિંમત આવી છે. અમેરિકા અને વૈશ્ર્વિક ક્રુડ બજારની અસર ભારતીય અર્થતંત્ર પર સવિશેષ જોવા મળે છે.

રૂપિયાની સાથે સાથે સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી હોય તેમ વિશ્ર્વ બજારમાં આવેલી મંદીના કારણે બુધવારે ભારતમાં 717 રૂપિયા તોલાએ સોનુ ઘટી ગયું હતું અને 46102ની સપાટીએ પહોંચી ગયું હતું. ચાંદીમાં પણ 1274 રૂપિયાની ઘટ સાથે 68239 રૂપિયાનો ભાવ આવ્યો હતો. કિલોના 68239 રૂપિયાએ પહોંચેલી ચાંદી અને સોનાની આ ભાવ ઘટાડાની પ્રક્રિયા ક્યારે અટકશે તે નિશ્ર્ચિત નથી પરંતુ બજારમાં અત્યારે તરલતાની પરિસ્થિતિ વધુ રહે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

સોના ચાંદીની જેમ જ ભારતીય શેરબજારમાં પણ વોલેટાઈલ પરિસ્થિતિ રહે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. આ મંદી હજુ કેટલી આગળ વધે તે નિશ્ર્ચિત નથી પરંતુ ડોલરની મજબૂત સ્થિતિ સામે ફેડરલ રેટમાં વધારો અને વ્યાજદર વધારવાના અમેરિકાના નિર્ણયને લઈને રૂપિયામાં તેજીને બ્રેક લાગી છે. વૈશ્ર્વિક ક્રુડના ભાવ, ડોલરની વધઘટ અને સ્થાનિક ફૂગાવાની અસરને લઈને રૂપિયો અને સોના-ચાંદીની તેજીને બ્રેક લાગી છે. આ પરિસ્થિતિ અલ્પજીવી છે કે, લાંબા સમય સુધી ચાલશે તે અંગે નિષ્ણાંતોમાં મત અલગ અલગ પ્રવર્તી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.