બુધવારે ગુજરાતની બજારમાં સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ રહી. 10 ગ્રામ સોનાનો ભાવ 50,400 રૂપિયા હતો તે પણ 3% GST સાથે. મંગળવારે સોનાનો ભાવ 49,800 રૂપિયા હતો જેમાં 600 રૂપિયાનો વધારો નોંધાયો હતો. અહીં પહેલીવાર સોનાના ભાવે 50,000 રૂપિયાની સપાટી વટાવી છે. નિષ્ણાતોના મતે, કોરોના વાયરસ મહામારીના કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે અને વૈશ્વિક મંદીની વધતી ચિંતા વચ્ચે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત છે. આ જ કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.
“સોનામાં રોકાણ સુરક્ષિત મનાતું હોવાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ વધ્યા છે. પ્રતિ આઉન્સ (લગભગ અઢી તોલા) સોનાનો ભાવ $1,780એ પહોંચ્યો છે. મંદીની સ્થિતિને જોતાં ઘણી સેન્ટ્રલ બેંકોએ સોનામાં ભારે રોકાણ કર્યું છે, પરિણામે ભાવ ઊંચા ગયા છે.”
આગામી મહિનાઓમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. “HNI (હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ)નું ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF)માં તરલ રોકાણ છે. જો કે જ્વેલરીની માગ તો ઓછી જ છે. ઓછામાં ઓછા બે મહિના સુધી તો ગ્રાહકો દ્વારા થતી સોનાની માગ વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે ઊંચી કિંમત લોકોને પરવડે તેમ નથી.”
ઊંચી કિંમત અને લોકડાઉનમાં લોકોની આવક ઘટતાં જ્વેલરીની માગમાં તો ઘટાડો આવ્યો જ છે. “સોના પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી અને વધતી કિંમતના કારણે લોકડાઉન પહેલા જ સોનાના દાગીનાની માગને ફટકો પડ્યો હતો. હવે લોકડાઉન પછી લોકોની આવકમાં ખાસ વધારો થયો નથી અને બિઝનેસ રેવન્યૂ ઘટી રહી છે એવામાં માગ હજુ નીચે જઈ શકે છે. સોનું લક્ઝરી કોમોડિટી હોવાથી દાગીના ખરીદવા છેલ્લી પસંદ હોઈ શકે છે.” દુકાનોમાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. વેપારીઓના મતે, સોનાના ઊંચા ભાવ આ સેક્ટરની રોજગારી પર અસર પાડી શકે છે.