સોનું કે ગોલ્ડ ચળકતી પીળી ધાતું છે. સામાન્ય લોકો માટે સોનું હમેંશા ખરીદ શક્તિથી બહાર રહ્યું છે. કારણ કે માસિક આવક કરતાં તેનો ભાવ જુના જમાનાથી વધુ જોવા મળ્યો છે. સોનાનું રોકાણ હમેંશા ઉત્તમ ગણાય છે. આજના યુગમાં લોકો ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાનકડી રકમનું સોનું ખરીદી કરે છે. ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટના યુગમાં વિવિધ રસ્તાઓના પગલે ડિજિટલ ગોલ્ડનો જમાનો આવી ગયો છે. સ્ત્રીઓની પસંદ હમેંશા સોનું રહ્યું છે. પહેલા તો ભારેખમ સોનાના દાગીના શાન ગણાતી પણ આજના યુગમાં લાઇટ વેઇટની ડાયમન્ડ જ્વેલરી લોકોની પ્રથમ પસંદગી બની છે. પૃથ્વી પર આજથી પાંચ હજાર વર્ષ પહેલા સોનુ અને તાંબુએ બે ધાતુ જ મળી આવી હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સોનું પૃથ્વી સિવાય બુધ, મંગળ અને શુક્ર ગ્રહ ઉપર પણ મળી શકે એમ છે. વિશ્વમાં ભારત સહિત ઘણા દેશોમાં સોનાની ખાણ આવેલી છે.
સોનામાં રોકાણ હમેંશા ઉત્તમ ગણાય છે: ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાની રકમનું સોનુ ખરીદાય છે: ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ માટે નવા રસ્તા શોધાયા છે, જેના પગલે ડિજિટલ ગોલ્ડનો જમાનો આવ્યો
સ્ત્રીઓની પસંદ ગોલ્ડ હોવાથી ભૌતિક સ્વરૂપે લોકો રાખવાનું પસંદ કરે છે: તે ઘણા માટે સંકટની સાંકળ પણ સાબિત થાય છે: સોનું વર્ષોથી અત્યંત કિંમતી ધાતુ તરીકે જાણીતી છે: પૃથ્વીનું 80 ટકા સોનું હજી જમીન નીચે દટાયેલું છે
સોનું અને તાંબુ આ બે ધાતુ વિશ્વમાં સૌ પ્રથમ પાંચ હજાર વર્ષ પહેલા મળી આવી હતી: વૈજ્ઞાનિકોનું માનવું છે કે સોનું માત્ર પૃથ્વી પર જ નહીં, પણ બુધ, મંગળ અને શુક્ર ગ્રહો પર પણ મળી શકે છે: વિશ્વનું 11 ટકા સોનું ભારતીય મહિલાઓ પાસે છે
વર્ષોથી સોનાને ભૌતિક સ્વરૂપે રાખવાનો ક્રેઝ છે, ત્યારે કોઇ સ્ત્રી કે પરિવાર તેની ખરીદી કરે ત્યારે આખી શેરી કે પરિવારને અવશ્ય બતાવે છે. ઘણા પરિવારો દેખા-દેખીમાં દેણા કરીને પણ દાગીના ખરીદતા હોય છે, પણ એકવાત નક્કી છે કે સોનું સંકટ સમયની સાંકળ હોવાથી મુશ્કેલીમાં તે આર્થિક તંગી નિવારવા હમેંશા ઉપયોગી થાય છે. આજે તો તેના ઉપર ગોલ્ડ લોન પણ તાત્કાલીક મળતી હોવાથી લોકો તેનો ધન સંચય તરીકે ઉપયોગ કરે છે. સોનાની વિશેષતામાં તે 24 કેરેટનું 1063 સે. પર પીગળે છે અને વીજળીનું ખૂબ સારૂ વાહક છે.
આપણે આઝાદ થયા ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર 89 રૂપિયો હતો, પણ ત્યારે પગાર માત્ર 20 થી 25 મળતો હતો. નવાઇની વાતએ હતી 1964માં તેનો ભાવ ઘટીને 63 રૂપિયા થયો હતો. દર પાંચ વર્ષની ગણતરીએ જોઇએ તો 1970માં 184 રૂા., 1975માં 540 રૂા. અને 1980માં 1333 રૂા. હતો. 1985 થી 2130નો ભાવ 1990 રૂા.3200 થઇ ગયો હતો. હજી 2000ની સાલ સુધી તેનો ભાવ 4400 રૂા. જ હતો. 2005માં 7 હજારને 2010માં સીધો 18,500 રૂા.ને આંબી ગયો હતો. 26 હજાર રૂપિયા 2015 તો 2017માં 29000 રૂા. થયો.
2018માં તો 31 હજાર રૂપિયાને માત્ર ચાર વર્ષમાં ગત વર્ષ 2022માં 52,670 રૂપિયા ભાવ થઇ ગયો હતો. સામાન્ય માનવીની માસિક આવકની સામે સોનાના ભાવ આદીકાળથી વધારે હોવાથી તે હમેંશા મધ્યમ વર્ગની ખરીદીની ત્રેવડ બહાર ગણાતો આવ્યો છે. આપણાં લગ્ન પ્રસંગે દિકરા-દિકરીને પરિવારો ગોલ્ડ આપી રહ્યાનો રિવાજ ઘણા વર્ષોથી છે, અમુક પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય તો એક દિવસની વહુંના ઘરેણા બીજા દિકરાની વહુંને લગ્ન પુરતા ચડાવતા હતા. વધતા ભાવોને કારણે ગિલેટ ચડાવેલા 1 ગ્રામ, બે ગ્રામના જવેરાતનો યુગ અત્યારે આવ્યો છે.
ચિલઝડપ બહું થતી હોવાથી ખોટા કે ઇમીટેશન દાગીના પહેરવાનું ચલણ વધ્યું છે. આજના યુગમાં સોનામાં રોકાણ કરનાર ધનવાન પણ બની શકે છે. સોનાને ધન સાથે સીધો સંબંધ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં દિપોત્સવી પર્વની ધનતેરસના પવિત્ર દિવસે સોનું-ચાંદી ખરીદવી શુભ ગણાય છે. સોનાની જેમ ચાંદી પણ કિંમતી ધાતુ જ ગણાય છે. યેલો ગોલ્ડની સાથે હવે તો વ્હાઇટ ગોલ્ડનો પણ જમાનો આવ્યો છે. સોનાના વધતા ભાવ સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાંખે છે. યુધ્ધ અને લગ્નની મોસમમાં તેનો ભાવ સતત વધતો રહે છે. આજે તો ધનનો સંચય કરવાનો સરળ રસ્તો ઘરેણા બનાવવામાં જ ગણાય છે. સોનાની સૌથી વધુ અનામત ધરાવતા વિશ્વના ટોપ-10 દેશોમાં અમેરિકા, જર્મની, ઇટલી, ફ્રાંસ, ચીન, રશિયા, સ્વિટ્ઝલેન્ડ, જાપાન, નેધરલેન્ડ સાથે 10માં ક્રમે ભારતનો સમાવેશ થાય છે. સોનાની સૌથી મોટી ખાણ મુરન્તો જે ઉઝબેકિસ્તાન દેશમાં આવેલી છે.
ઇન્ડોનેશિયાની ગ્રાસ બર્ગ, પ્યુબ્લોવિએજો, અમેરીકાની યાનકોચા, કાર્લિન ટ્રેન્ડ જેવી સોનાની ખાણો પણ વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ સોનું ઉત્પાદન કરે છે. આજે હોલમાર્કના યુગમાં હવે છેંતરપિંડી નહિવત જોવા મળે છે. ભારતના બુલિયન માર્કેટમાં સોનાના ભાવો દરરોજ અપડેટ થાય છે. આપણાં કરતાં સોનું દુબઇ, થાઇલેન્ડ, કંબોડીયા, હોંગકોંગ અને સ્વિત્ઝર્લેન્ડમાં સોનું સસ્તું મળે છે. અમૂક ધનાઢ્ય પરિવારો સોનાના થાળી વાટકામાં જમતા હોય છે. આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે. શુધ્ધ સોનું તેજસ્વી પીળા રંગનું અને ખૂબ જ આકર્ષક ચળકતું હોય છે. સોના વિશે જાણવા જેવી ઘણી વસ્તુંઓ છે, તે કિંમતી ધાતું હોવાથી આદીકાળથી તેનો સિક્કા બનાવવા, ઝવેરાત કે નાણા એકત્ર કરવા માટે ઉપયોગ થાય છે.
આજે પૃથ્વીના પેટાળમાંથી બધુ સોનું કાઢવામાં આવે તો પૃથ્વી પર વસતા દરેક વ્યક્તિ પાસે 4 કિલો ગોલ્ડ હોય. આજ સુધી જેટલું સોનું મળ્યું છે, તેના કરતાં આપણે એક કલાકમાં વધુ સ્ટિલ બનાવીએ છીએ. પૃથ્વીના દરેક ખંડમાંથી સોનું નીકળે છે. સોનાની શુધ્ધતા કેરેટમાં મપાય છે. અને તે 10, 12, 14, 18, 22 કે 24 કેરેટનું હોય છે. શુધ્ધ સોનું નરમ હોવાથી તેને તમે હાથ વડે પણ વાળી શકો છો. આજની તારીખમાં લગભગ અડધા જેટલું સોનું કાઢવામાં આવેલ છે. તે માત્ર એક જગ્યાએથી કાઢવામાં આવેલ છે. જેમાં દક્ષિણ આફ્રિકા અને વિટવોટ સેરેન્ડ દેશ છે. વિશ્વમાં સૌથી વધુ સોનું કાઢતી કંપની બેરિક ગોલ્ડ છે, તે કેનેડિયન કંપની છે. સોનું ખાઇ પણ શકાય છે, કેટલાક દેશોમાં ફળો, જેલી, નાસ્તા, કોફી અને ચામાં સોનું ઉમેરાય છે. સંધીવાની સારવારમાં ગોલ્ડ ખૂબ જ અસરકારક છે. વિશ્વનું સૌથી મોટું સોનાનું બિસ્કીટનું વજન 250 ગ્રામ હતું. દુનિયામાં એવા પણ લોકો છે, જે સોનાથી ડરે છે, આ ડરને ઓરોફોલિયા કહેવામાં આવે છે.
સોનાનો સૌથી મોટો ટુંકડો 1969માં ઓસ્ટ્રેલિયામાં મળ્યો હતો, જેનું વજન 69 કિલોગ્રામ હતું !
વિશ્વમાં સોનાનો સૌથી મોટો ટુકડો ઓસ્ટ્રેલિયામાં જમીનથી માત્ર બે ઇંચ નીચે મળ્યો હતો. ગ્રીક લોકો એવું માને છે કે સોનું પાણી અને સૂર્યના કિરણોના ઘટ્ટ મિશ્રણથી બને છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ઉપભોકતા છે, જે વિશ્વના ગોલ્ડ ઉત્પાદનમાં માત્ર 2 ટકા હિસ્સો ધરાવે છે. તમને નવાઇ લાગશે કે આપણા શરીરમાં 0.2 મિલિગ્રામ સોનું હોય છે, જે મોટાભાગનું આપણાં લોહીમાં હોય છે. વિશ્વનું 11 ટકા સોનું ભારતીય મહિલાઓ પાસે. જ્યારે ભૂકંપ આવે છે, ત્યારે પાણી સોનામાં ફેરવાય છે. અવકાશ યાત્રીઓ માટે હેલ્મેટ બનાવવામાં સોનાનો ઉપયોગ થાય છે, કારણ કે તે સૂર્યના કિરણોને પ્રતિબિંબિત કરે છે અને હેલ્મેટને અંદરથી ઠંડુ રાખે છે. જો સોનાને ઇન્જેક્શન દ્વારા શરીરમાં ઇનજેક કરવામાં આવે તો કેન્સર સામે લડવામાં મદદ કરે છે.