નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2024માં સોના પરની આયાત ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી હતી. જેના કારણે સોનાના ભાવમાં આશરે રૂપિયા 6 હજારનો ઘટાડો થયો હતો. જેનો લાભ લેવા લોકોએ સોનાની ખરીદીમાં વધારો કર્યો હતો. તેમજ તહેવાર અને લગ્નની સીઝનમાં સોનાની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. તેમજ આ વર્ષે સોનાએ લગભગ 22 ટકા વળતર આપ્યું છે.
- 2024ના પહેલા 6 મહિનામાં સોનાની કિંમતમાં વાર્ષિક ધોરણે 10 %નો વધારો થયો છે.
- જિયોપોલિટિકલ ટેન્શન અને સેન્ટ્રલ બેંકોની ખરીદી ભાવમાં વધારાનું મુખ્ય કારણ છે.
- નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે.
2024ના 6 મહિનામાં દેશમાં સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે 10 %નો વધારો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીમાં વધારો કર્યો છે અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે સોનાની માંગ પણ વધી છે. વધુમાં US ફેડરલ રિઝર્વ તરફથી પણ નાણાકીય નીતિમાં ફેરફારની અપેક્ષા છે. તેમજ સોના માટે આ પણ સકારાત્મક સંકેતો છે અને તેના કારણે સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે 18 % નો વધારો થયો છે.
આયાત ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે માંગ વધી છે
બજેટ 2024 પહેલા ભારતમાં સોનાની માંગ ઘણી ધીમી હતી. ખાસ કરીને જ્વેલરી સેગમેન્ટમાં સોનાની ખરીદી કરનારાઓમાં મોટાભાગના પરિણીત લોકો હતા. અને બાકીના લોકો ઘરેણાં ખરીદવાનું ટાળતા હતા. પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સોના પરની આયાત જકાત ઘટાડવાની જાહેરાત કરી હતી અને તેના કારણે સમગ્ર દેશમાં સોનાની માંગ ફરી વેગ પકડી હતી.
ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શોના અહેવાલો સૂચવે છે કે રિટેલરોએ ખાસ કરીને આગામી તહેવારો અને લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને સોનાના ઓર્ડરમાં વધારો કર્યો છે. કેટલાક કિસ્સાઓમાં, ગોલ્ડ ઓર્ડરે છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. આ દર્શાવે છે કે સોનામાં ગ્રાહકોની રુચિ ફરી વધી છે.
શું હજુ પણ રોકાણ કરવાની તક છે?
જ્વેલરીની સાથે સિક્કાની ખરીદી વધી છે. આ દર્શાવે છે કે રોકાણ માટે સોનાની માંગ પણ વધી છે. આ સાથે વાસ્તવમા ગ્રાહકોથી લઈને જ્વેલર્સ અને રોકાણકારો સુધી દરેક સોનાના ઘટેલા ભાવનો લાભ લેવા માંગે છે. અમેરિકાની સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. તેનાથી સોનાની કિંમતમાં પણ વધારો થવાની ધારણા છે.
આ વર્ષે સોનાએ લગભગ 22 % વળતર આપ્યું છે. ભૌગોલિક રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને અન્ય પરિબળોને ધ્યાનમાં લેતા તેમાં વધુ વધારો થવાની ધારણા છે. પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા અને જોખમ ઘટાડવા માટે સોનામાં રોકાણ કરવાનું વિચારી શકો છો. તેમજ આદર્શ રીતે તમારા પોર્ટફોલિયોના 10-15 % સોનામાં રોકાણ કરવું જોઈએ.