સલામત રોકાણ અને સ્ત્રી ધન ગણાતા સોનાએ ચળકાટ ગુમાવ્યો: માંગ ઘટવાનું કારણ ભાવ વધારો અને નાણાની અછત.
સુરક્ષિત અને સલામત રોકાણ ઉપરાંત સ્ત્રી ધન તરીકે ઓળખાતું સોનું ચળકાટ ગુમાવી રહ્યું છે. સોનાનાં ભાવમાં સતત વધારો અને રોકડ નાણાની અછત, ઉપરાંત લગ્નસરાની સિઝનને કારણે ગુજરાતમાં સોનાની માંગમાં અધધ કહી શકાય તેવા ૫૪ ટકા ઘટાડો નોંધાયો છે અને સમગ્ર દેશમાં જોઈએ તો સોનાની ડિમાન્ડમાં ૧૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૧૮નાં પ્રથમ ત્રિ-માસિક સમયગાળામાં સમગ્ર ભારતમાં સોનાની માંગમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. જેની પાછળનાં મુખ્ય કારણ ચાલુ વર્ષે લગ્નસરાના દિવસોમાં ઘટાડો થવા ઉપરાંત સોનાનાં ભાવમાં સતત થઈ રહેલો વધારો અને ઉંચા સ્તરે સ્થિર થયેલી કિંમતને માનવામાં આવી રહ્યો છે. સાથો સાથ જીએસટીના અમલ બાદ એકસાઈઝ ડયુટીમાં ઘટાડો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય આયાતમાં ઘટાડો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૭ની તુલનાએ નાણાકીય વર્ષ ૨૦૧૮નાં પ્રથમ ત્રણ માસના સમયગાળામાં ૧૩૧.૨ ટનની આયાતો સાથે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૧૧૫.૬ ટન સોનું આયાત થયું હતું. પરિણામે આયાતમાં વૈશ્ર્વિક આયાતમાં ૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
સોની બજારનાં સુત્રોના મતે સોનાની માંગમાં જબરદસ્ત ઘટાડો થવા પાછળ મુખ્ય કારણ લગ્નસરાની સીઝનમાં ઘટાડો થવા ઉપરાંત માર્ચ-એપ્રિલ માસમાં ગ્રામિણ વિસ્તારોમાં રોકડની અછતને પણ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. સાથો-સાથ પંજાબ નેશનલ બેંક તેમજ અન્ય બેંકોના કૌભાંડને પગલે પણ સોનાની માંગને માઠી અસર પહોંચી હોવાનું બુલીયત વેપારીઓ જણાવે છે. જોકે આગામી ચોમાસુ સારા જવાના એંધાણ વચ્ચે ઝવેરીઓ સોનાની માંગમાં વધારો થવાની આશા સેવી રહ્યા છે અને હાલ લોકો સોનાના દાગીનાનો બદલે સલામત રોકાણ માટે ગીની, બગડી જેવી ચીજો ખરીદતા હોવાનું અંતમાં જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,