એક તોલાનો ભાવ રૂ. 1800 વધીને 58 હજારે પહોંચ્યો

અબતક, નવી દિલ્હી : સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. બે દિવસના ઘટાડા પછી સ્થાનિક બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રુપિયા 1800 વધીને રુપિયા 58,000 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. સ્થાનિક સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય તેજી જોવા મળી હતી. જેણે યુએસમાં નબળા આર્થિક સૂચકાંકો અને રોજગાર ડેટાના કારણે યુએસ ડોલરના અવમૂલ્યન તરીકે મજબૂત લાભ નોંધાવ્યો છે. તો સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ વધીને 1863.18 ડોલર થયા છે.

નોકરીઓ, નોન ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછી આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે ભાવમાં તેજી જોવા મળી હતી. જેના કારણે ડોલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી પેદાશમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિત આર્થિક સ્થિતિના કારણે સોનામાં સુરક્ષિત રોકાણમાં વધારો થયો છે. વધુમાં ભારતીય રુપિયાના અવમૂલ્યનના કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે.

તેઓએ આગળ એવું જણાવ્યું કે, રોકાણકારો રોકાણ કરવા માટે ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ વધીને રુપિયા 61,000 પ્રતિ ગ્રામની ટોચે પહોંચે એવી અપેક્ષા છે. તો જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના પ્રેસિડન્ટ જીગર સોનીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં ઉંચી કિમતો એક મુખ્ય અવરોધ બની રહેશે. લગ્નની સિઝનના કારણે સોનાની માંગ વધુ રહેવાની આશા છે. જો કે, આટલા ઉંચા ભાવ ગ્રાહકોને અનૂકુળ ન હોઈ શકે. જેના કારણે તેઓ જૂના દાગીનાઓના બદલામાં નવા દાગીના ખરીદે છે.

મહત્વનું છે કે, વર્ષ 2023ની શરૂઆત થતા જ સોના અને ચાંદીના ભાવમાં વધારો શરૂ થઈ ગયો હતો. સોનું બે વર્ષ કરતા વધુ સમયની ઉંચી સપાટીએ પહોંચી ગયું હતું.એમસીએક્સ પર ગોલ્ડ ફ્યુચર્સનો ભાવ 0.6 ટકા વધીને 55,546 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ 1.4 ટકા વધીને 70,573 પ્રતિ કિલો થયો હતો. ઓગસ્ટ 2020માં સોનાએ 56,200ની રેકોર્ડ હાઈ બનાવી હતી. ત્યાર બાદ સૌથી ઉંચો ભાવ જોવા મળ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવ વધતા જાય છે અને ગોલ્ડ છ મહિનાની ટોચ પર હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.