સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી!
રોકાણકારોને બખ્ખા: માત્ર 5ાંચ જ મહિનામાં સોનામાં રૂ.7 હજાર અને ચાંદીમાં રૂ.9 હજારનો ઉછાળો નોંધાયો
સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનુ 63,500 અને ચાંદી 76,500ની નવી ટોચે પહોંચ્યું છે. બીજી તરફ રોકાણકારોને બખ્ખા થયા છે. માત્ર 5 જ મહિનામાં સોનામાં રૂ. 7 હજાર અને ચાંદીમાં રૂ. 9 હજારનો ઉછાળો નોંધાયો છે.
યુએસ ફેડે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેતા સોનાના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. ગુરુવારે સોનાનો ભાવ વધીને 10 ગ્રામ દીઠ 63,500 પર પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજાર અને લોકલ માર્કેટ બંને જગ્યાએ સોનાના ભાવમાં તેજી જારી છે અને હજુ પણ આગળ વધે તેવી શક્યતા છે.
કેલેન્ડર વર્ષ 2023 સોના અને ચાંદીમાં તેજીનું રહ્યું છે. વૈશ્વિક પ્રવાહ પાછળ સ્થાનિકમાં સોનું આગલા દિવસની સામે રૂ.700 વધીને રૂ.63,500ની અને ચાંદી રૂ.1,500 વધીને રૂ.76,500ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હતા. વૈશ્વિક સ્તરે પણ સોનું હાજરમાં 2040 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું જે છેલ્લા એક મહિનાની સૌથી ઊંચી સપાટી હતી.
ગત્ મહિને સોનું એક તબક્કે ઇન્ટ્રા ડેમાં 2055 ડોલર સુધી વધ્યા બાદ 2048 ડોલરની સપાટીએ બંધ રહ્યું હતું, જે ઓગસ્ટ 2020 પછીની સૌથી ઊંચી સપાટી હતી. કેલેન્ડર વર્ષ 2023માં સોનામાં રૂ.7,000નો તો ચાંદીમાં રૂ.9000નો ઊછાળો નોંધાયો છે, જે અનુક્રમે 12.1 અને 13.3 ટકાનો ઊછાળો સૂચવે છે. જ્યારે વાર્ષિક ધોરણે સોનું રૂ.10,700 (20.2 ટકા) અને ચાંદી રૂ.12,500 (19.5 ટકા)નો ઊછાળો દર્શાવે છે.
અમેરિકન ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં ધારણા અનુસાર 0.25 ટકાનો વ્યાજદર કરવાની સાથે ભવિષ્યમાં વધુ વ્યાજદરમાં વધારાને બ્રેક મારવામાં આવે તેવા આપેલા સંકેતોની સાથે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વણસવાની ભીતિ વચ્ચે યુરોપના આર્થિક ડેટા નબળા રહેતાં હેજ ફંડોનું સોના અને ચાંદીમાં તેજીનું તોફાન જોવાયું હતું. જેને કારણે સોનાના ભાવ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ગુરુવારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગને કારણે સોનું સાધારણ ઘટીને 2,036 ડોલરના સ્તરે મૂકાતું હતું તો ચાંદી સાત સેન્ટ ઘટીને 25.50 ડોલર રહી હતી. ગત્ એપ્રિલ મહિનામાં ચાંદી જુલાઈ 2021 પછી પ્રથમવાર 26 ડોલરની નજીક સરકી હતી.
એનાલિસ્ટોનું માનવું હતું કે, જો ડોલર ઇન્ડેક્સ વધુ નરમ થશે તો સોના અને ચાંદીના ભાવમાં તેજીને વધુ પીઠબળ મળશે. ડોલર ઇન્ડેક્સ 101ના સ્તરથી પાછો ફરી જતો હોવાથી સોનામાં દરેક ઊછાળે વેચવાલી વધતી હોવાથી સોનું 2067ની સૌથી ઊંચી સપાટીને ઓળંગવામાં નિષ્ફળ રહ્યું છે. વૈશ્વિક ઊંચા ફુગાવાએ પણ સોનામાં તેજી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સ્થાનિકમાં ડોલર સામે રૂપિયાની ચાલની પણ સોનાના ભાવ પર સીધી અસર જોવાશે. હાલ ડોલર સામે રૂપિયો 81.75ની આસપાસ અથડાઈ ગયો છે.