વૈશ્વિક અંધાધૂંધીને પરિણામે હવે સોનુ અને ક્રૂડ ભડકે બળે તેવી દહેશત ઉભી થઇ છે. આ ઉપરાંત વિશ્વભરની માર્કેટને પણ અસર પહોંચી રહી છે.ભારતની માર્કેટમાં આજે કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 560 પોઇન્ટ ઘટીને 65434ની નીચલી સપાટીને સ્પર્શયો હતો. જ્યારે નિફટી પણ 172 પોઇન્ટના કડાકા સાથે 19480ની સપાટીએ પહોંચી હતી.
સેન્સેક્સ 560 પોઇન્ટ ઘટીને 65434ની નીચલી સપાટીને સ્પર્શયો, નિફટી પણ 172 પોઇન્ટના કડાકા સાથે 19480ની સપાટીએ પહોંચી
સતત બે સપ્તાહ સુધી લાલ નિશાનમાં રહ્યા બાદ સ્થાનિક શેરબજાર ગયા સપ્તાહે સાપ્તાહિક ધોરણે લીલા નિશાનમાં બંધ થયું હતું. આ સાથે ઓક્ટોબર સિરીઝ માટે સારી શરૂઆત જોવા મળી રહી છે. આ સપ્તાહ માટે સ્થાનિક શેરબજાર માટે ઘણા મહત્વપૂર્ણ ટ્રિગર્સ છે, જેના આધારે બજારમાં એક્શન જોવા મળશે. જોકે, બજારમાં તીવ્ર વધઘટને પણ નકારી શકાય તેમ નથી. આ અઠવાડિયે, ભારત અને અમેરિકામાં ફુગાવાના દરના આંકડા અને એફઓએમસી મીટિંગની મિનિટ્સ પણ જાહેર થવા જઈ રહી છે. આ સિવાય બીજા ક્વાર્ટરના પરિણામ પણ આવવાનું શરૂ થઈ જશે. બીજી તરફ મધ્ય પૂર્વમાં વધતા તણાવ બાદ હવે કાચા તેલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારોમાં પણ સાવચેતી જોવા મળી હતી.
ગત સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવમાં નબળાઈ, સ્થાનિક પીએમઆઈ ડેટા અને મોનેટરી પોલિસી મીટીંગના કારણે બજારને ટેકો મળ્યો હતો. જો કે, આરબીઆઇ હજુ પણ ફુગાવાના ડેટાને લઈને સાવધ જણાય છે. યુએસ બોન્ડ યીલ્ડ ઉપલા સ્તરે રહેવાને કારણે એફઆઈઆઈનો આઉટફ્લો પણ ચાલુ રહ્યો છે
વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે અમેરિકન બજારો નફામાં હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.87 ટકા વધી હતી. નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 1.60 ટકા અને એસએન્ડપી 500માં 1.18 ટકાની તેજી હતી. શુક્રવારે અમેરિકન બજાર બંધ થયા બાદ ઇઝરાયેલ પર હમાસનો હુમલો થયો હતો, તેથી અમેરિકન બજારની પ્રતિક્રિયા આજે જ ખબર પડશે.આજના કારોબારમાં એશિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 0.26 ટકા તૂટ્યો છે. હોંગકોંગના હેંગસેંગમાં તોફાનની ચેતવણી બાદ બજાર અધવચ્ચે બંધ કરી દેવામાં આવ્યું છે.