ભારતીયોમાં સોનાનો ક્રેઝ સૌથી વધુ છે. સોનાના વપરાશની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમા આમિર, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આ તમામ સોનાની પ્રસંગોપાત ખરીદી કરે છે. કારણકે ભારતમાં સોનું એ ધાર્મિકની સાથે સામાજિક મહત્વ પણ ધરાવે છે. આની પાછળ પણ એક સચોટ કારણ છે. કે સોનુ ગમે ત્યારે કપરા સમયમાં કામ લાગી શકે. જેથી જ સામાજિક પ્રસંગોમાં સોનાની લેવડ દેવડ થતી હોય છે.
1991માં જ્યારે ભારત પાસે આયાત માટે વિદેશી ચલણ ન હતું ત્યારે ભારતે 2.2 બિલિયન ડોલરની લોન લેવા માટે તેનું 67 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. તત્કાલીન કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે તે ચિત્ર બદલાઈ ગયું છે. ભારતે ગીરવે મૂકેલું સોનું તો છોડાવી જ લીધું છે સાથે આજે દુનિયાના કુલ રિઝર્વનું 8 ટકા સોનું આરબીઆઈ પાસે છે.
કોરોના મહામારીને કારણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને પછી વધતી જતી મોંઘવારી વચ્ચે આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોનાની મોટાપાયે ખરીદી કરી છે. આંકડા અનુસાર, માર્ચ 2020 થી માર્ચ 2023 વચ્ચે આરબીઆઈએ 137.19 ટન સોનું ખરીદ્યું છે. માત્ર ત્રણ વર્ષમાં આરબીઆઇના ગોલ્ડ રિઝર્વમાં 79 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 137 ટનથી વધુ સોનું ખરીદ્યા પછી આરબીઆઇ સોનાના ભંડાર મામલે વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોની યાદીમાં આઠમા સ્થાને પહોંચી ગઈ છે.
માર્ચ 2020માં, આરબીઆઇના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો 6 ટકા હતો, જે વધીને 7.85 ટકાની નજીક પહોંચી ગયો છે. આરબીઆઈ પાસે સોનાનો ભંડાર 790 ટનથી વધુ થઈ ગયો છે.
માહિતી અનુસાર માર્ચ 2019 સુધીમાં આરબીઆઈ પાસે કુલ 612.56 ટન, માર્ચ 2020માં 653 ટન, માર્ચ 2021માં 695.31 ટન, માર્ચ 2022માં 760.42 ટન સોનાનો કુલ ભંડાર હતો અને હવે તે 790 ટનને વટાવી ગયો છે. એટલે કે આરબીઆઇએ એક વર્ષમાં 30 ટનથી વધુ સોનું ખરીદ્યું છે. ચાર વર્ષમાં આરબીઆઈએ 178 ટન સોનું ખરીદ્યું છે.