એમસીએક્સ પર એપ્રિલ વાયદાના સોનાના ભાવમાં 0.82 ટકા અને માર્ચ વાયદાના ચાંદીના ભાવમાં 1.22 ટકાનો વધારો
રશિયા દ્વારા પૂર્વ યુક્રેનમા અલગતાવાદી વિસ્તારો ડોનેસ્ક અને લુહાન્સ્કને અલગ દેશ બનાવવાનો આદેશ આપ્યા બાદ યુક્રેનની કટોકટી વધી જતાં આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. મંગળવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ વાયદાના સોનાના ભાવમાં 0.82 ટકાનો વધારો થયો હતો. તે જ સમયે, માર્ચ વાયદા ચાંદીના ભાવમાં 1.22 ટકાનો વધારો નોંધાયો હતો. વધતા ભૌગોલિક રાજકીય તણાવ, સેફ-હેવન મેટલની વધતી માંગ સાથે, મંગળવારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 9 મહિનાની ટોચે પહોંચી હતી.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતાથી સેફ હેવન ડિમાન્ડ વધતાં અને ગગડતા રૂપિયાને કારણે ભારતીય માર્કેટમાં સોનામાં ભાવ ઘટ્યા મથાળાથી 2300 રૂપિયા વધ્યા છે. જુલાઈ સુધીની ભરચક લગ્નગાળાની સીઝન અને સતત તૂટી રહેલા શેરબજાર ઉપરાંત ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટની મંજૂરીથી સોનામાં ખરીદીનું આકર્ષણ હજી સતત વધતું રહેશે. મળતી માહિતી અનુસાર સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 52 હજાર બોલાઈ રહ્યો છે.