‘અય મેરે વતન કે લોગો જરા આંખમેં ભરલોપાની

જો શહીદ હૂએ હે ઉનકી, જરા યાદ કરો કુરબાની ?

જાણીતા કવિ પ્રદીપજીએ લખેલૂં આ યાદગાર ગીત જેટલું અમર બનવા સર્જાયું છે. એટલું જ લોકપ્રિય એમનું બીજું એક ગીત છે: ‘દેખ તેરે સંસારકી હાલત કયા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઈન્સાન! ’

આ બંનેમાં આજના નવા જમાનાનો ઉકળાટ છે!

આજનો જમાનો કલ્પનામાં ન આવે એટલો બદલ્યો છે.

માનવ જીવન જબરૂ પરિવર્તન પામ્યું છે.

આજના પુરૂષો બદલાયા છે. અને નારી સમાજ પણ બદલાયો છે. સંસ્કૃતિ અને સંસ્કાર એની અસલીયત ખોઈ બેઠા છે. પશ્ચીમની સંસ્કૃતિનું ગોઝા‚ આક્રમણ આપણી ભારતીય સંસ્કૃતિ પર સવાર થઈ ચૂકી છે.

કોઈએ એવી ટકોર કરી છે કે કોન્વેન્ટ કલ્ચરે આપણા મૂળભૂત કલ્ચરને સારી પેઠે વામણું બનાવી દીધું છે. મોબાઈલ અને ટેલિવિઝને આપણી પેઢીને સંસ્કારીક રહેવા દીધી નથી. એની માનસિકતા બદલાવી દીધી છે.

એક જમાનામાં સત્સંગ, વ્યાપક વાચન, ઉમદા વિચારો અને ઉત્તમોમન પુસ્તકો તથા પુસ્તકાલયો-ગ્રંથાલયો (લાયબ્રેરીઓ) કોઈ પણ ઘરની આવશ્યકતા જ નહિ પણ ઘરની શોભા ગણાતા હતા. હવે ભાગ્યે જ કોઈને પુસ્તકોનું વાચન રોચક અને ઉપકારક લાગે છે? કોઈપણ સમાજ માટે આ બાબત શરમજનક બની રહે છે.

આપણા સમાજ માટે કડવી ઝેર ગણાય એવું મ્હેણું એવું છે કે, અહીં સોના-ચાંદીની દુકાનો લૂંટાતી હોવાનું ગણી શકાય છે. પરંતુ હજુ સુધીમાં પુસ્તકોની દુકાન એકપણ વખત લૂંટાઈ હોવાનું જાણી શકાયું નથી તસ્ક્રો લોકરો રાખતા નથી.

કહે છે કે સરકાર કોઈ વર્ષને પુસ્તક-વર્ષ તરીકે જાહેર કરે ત્યારે સાહિત્યકારો માટે આનંદની અને પ્રકાશકો માટે આમદાની વાત બની રહે છે. કાગળો ટંકશાળમાં છપાય ત્યારે ચલણી નોટ બને છે. પણ પ્રિન્ટીંગ પ્રેસમાં છપાય ત્યારે પુસ્તક બને છે. એકમાં ધન સમાયું છે. ને બીજામાં જ્ઞાન એક વ્યવહારનું ચલણ બને છે. બીજું જીવનનું ચલણ બને છે. બંને ભેગા થાય ત્યારે પુસ્તકો એવી તિજોરી છે કે જેમાં જ્ઞાનનો કિંમતી ખજાનો હોવા છતાં તેને તાળું મારવામાં આવતું નથી. દુનિયાના રીઢા ચોર માટે પણ એ તેજુરી હંમેશા ખુલ્લી હોય છે, પરંતુ કોઈ ચોર પુસ્તકોને ચોરવા નીકળતો નથી. તે ઘઉંના લોટને બદલે રોટલી ચોરવાનું વધુ પસંદ કરે છે.

એક પંડિતને ત્યાં રાત્રે ચોર ઘૂસી આવ્યો પંડિત જાગી ગયા. તેણે ચોરને જીવન ચરિત્રનું એક પુસ્તક આપ્યું. ચોરે કહ્યું, આને હું શું કરૂ? મારા પેટનો ખાડો આનાથી કેમ ભરાય? તમારે આપવું જ હોય તો મને બ્લેડ આપો, જેથી હું ખિસ્સા કાપી શકું, કાતર આપો, જેનાથી હું અછોડા કાપી શકું, ખંજૂર આપો જેના વડે હું ખૂન કરી શકું !

પંડિત જવાબ આપ્યો, ‘આ જીવન ચરિત્ર તું વાંચીશ તો તને સમજાશે કે બ્લેડ, કાતર અને ખંજૂર વિના પણ કેટલું સુંદર જીવન જીવી શકાય છે! પેટનો ખાડો તો ભિખારી પણ પૂરી શકે છે, પણ હૃદયમાં માનવતાનાઅને મગજમાં બુધ્ધિના ખાડા પુરાશે તે દિવસે પેટના ખાડા બ્લેડ, કાતર કે ખંજરના ઓશિયાળા નહિ રહે!

પેલા ચોર એ પુસ્તક વાંચ્યું અને એનું જીવન બદલાઈ ગયું. એ ચોરી કરવાનું છોડીને ઈજજતની નોકરી કરવા લાગ્યો. પોલિસને કાયદો જે ન કરી શકે તે કામ એક પંડિતે કરી દીધું.

પુસ્તકને પારસમણી કહેવામાં અવે છે. હીરાની કિંમત ઝવેરી કરી શકે તેમ પુસ્તકોનું મૂલ્ય કદરદાનો સમજી શકે. મહારાષ્ટ્રમા એવા ઝવેરીઓની સંખ્યા મોટી છે. તેઓ માત્ર લાઈબ્રેરીમાં જઈને જ નહિ પુસ્તકો ખરીદીને પણ વાંચે છે. આવકના માળખામાં પુસ્તક ખરીદીનું ખાનુ પણ રાખે છે. અને તે નિશ્ચીત વાપરે છે. ગુજરાતીઓ ચોપડી કરતા વેપારમાં જ વધારે રસ ધરાવે છે. ગુજરાતમાં વેપાર અને વિચાર વચ્ચે ખટરાગ પ્રવર્તે છે. અહી વેપારની ચોરી થાય છે. આમ, અહી સોના ચાંદીની દુકાનો લૂંટાય છે. પણ પુસ્તકોની દુકાનો કયારેય લૂંટાતી નથી. આપણે ત્યાં પુસ્તકો અને લાયબ્રેરીની મહત્તા નહિ વધે ત્યાં સુધી પેટના ખાડા નહિ પૂરાય?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.