કાનાના વધામણા રે…રંગીલા શહેરમાં
રંગીલા રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મસભા-ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વને ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવા ભાવિકો છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે કાનાને વધાવવા શહેરને ગોકુળીયું બનાવવાના ભાગરૂપે વિહિપ, જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, અનેક સંસ્થાઓ, મંડળો વગેરેનો બહોળો સહયોગ મળી રહ્યો છે.
રાજકોટ શહેર જાણે ‘કૃષ્ણમય’ બન્યું હોય તેમ શહેરના રાજમાર્ગો સહિત અનેક સોસાયટીઓનો પણ શણગાર કરવા ઉપરાંત વિશાળ મંડપોમાં કૃષ્ણ પરમાત્માના જુદા-જુદા રૂપના દર્શન તો ક્યાંક લાલાને ઝુલાવવા શણગારેલા રંગબેરંગી પારણા વગેરે ગોઠવાયા છે.બાલગોપાલ, દ્વારકાધીશ, રાધાકૃષ્ણ વિગેરે જેવી આકર્ષક મૂર્તિઓના દર્શનથી ભાવિકો પણ ધન્ય થયાનો અનુભવ કરે છે.
શહેરના પંચાયત ચોક ખાતે જય દ્વારકાધીશ ગૃપ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે નકલંક ગૃપ, યુનિ.રોડ ખાતે દ્વારકાધીશ ગૃપ દ્વારા આ વિસ્તારોનો શણગાર સાથે કૃષ્ણ મંદિર જેવો માહોલ ઉભો કર્યો છે. આવતીકાલે મવડી ચોકડી પાસે યોજાયેલ ધર્મસભા બાદ ધર્મયાત્રા નિકળશે ત્યારે સમગ્ર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં હાઇપાવર ડી.જે.માંથી કૃષ્ણ ભક્તિના ગીતોના ગુંજારવથી પાવન થયાનો અનુભવ થશે. લાલાને વધાવવા સમગ્ર શહેર ગોકુળીયું બન્યું છે.